(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
આખરે મોદી સરકારનું જમ્મુ-કાશ્મીરમાં કાંઇક મોટી યોજના પુરી પાડવાનો ઇરાદો છે. પહેલા ૧૦ હજાર જવાનો ખીણમાં મોકલ્યા બાદ હવે ૨૮,૦૦૦ વધારાના સુરક્ષા દળો તૈનાત કરાયા છે સાથે જ સેના અને વાયુસેનાને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગત સપ્તાહે જ્યારે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં વધારાના ૧૦ હજાર સુરક્ષા દળો તૈનાત કર્યા ત્યારે સમગ્ર રાજ્યમાં ભય, આશંકા અને અનિશ્ચિતતાનો માહોલ ઊભો થયો હતો. જોકે સરકારે સ્પષ્ટતા કરી હતી કે, અમરનાથ યાત્રા અને આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને કરવામાં આવી રહ્યું છે. પરંતુ બીજી તરફ ચોંકાવનારી વાત એ છે કે, ખીણમાં સેના અને વાયુસેનાને એલર્ટ પર મુકવામાં આવી છે જેની પાછળ તર્ક આપવામાં આવ્યો છે કે, કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાના ભયે રાજ્યમાં મોટાપાયે સૈનિકો ખડકાયા છે અને અમરનાથયાત્રીઓ તથા સહેલાણીઓને તાત્કાલિક રાજ્ય બહાર જવા કહેવાયું છે. જોકે, આટલી મોટી સંખ્યામાં સૈનિકો ખડકવા અંગે સરકારે કોઇ ફોડ પાડ્યો નથી અને ભેદી મૌન સેવ્યું છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, કાશ્મીરની પ્રતિષ્ઠા સમાન આર્ટિકલ ૩૫-એને રદ કરવાની સરકારની હિલચાલ હોવાની રાજ્યના લોકોએ દહેશત વ્યક્ત કરી છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે હાઇએલર્ટ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા પુછ્યું છે કે, આખરે ખીણમાં એવું તો શું થઇ રહ્યું છે જેના પગલે સેના અને વાયુસેનાને એલર્ટ જારી કરાયું છે. દરમિયાન ટોચના અંગ્રેજી અખબારનો અહેવાલ છે કે, જમ્મુ-કાશ્મીરમાં વધારાના ૨૮,૦૦૦ સૈનિકો મોકલાયા છે. આ જવાનોને ગુરૂવારે ખીણમાં મોકલાયા હતા.બીજી તરફ રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યમાં બધું સામાન્ય હોવાની વાત કરી છે ત્યારે આટલી મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરવાથી સમગ્ર રાજ્યમાં ગભરાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે જ સરકારે કાશ્મીરમાં ૧૦ હજાર જવાનો મોકલ્યા હતા અને આજે ૨૮૦૦૦ વધુ જવાનો મોકલાતા રાજ્યમાં કાંઇક ગંભીર બનવાની વાતો થઇ રહી છે. જવાનોને રાજ્યના જિલ્લા સ્તરે ઠેકાણા બનાવવાના આદેશ અપાયા છે. કાશ્મીરના પોલીસ અધિકારીઓને ટાંકતા અખબારે લખ્યું છે કે, તેમને વધારાના સુરક્ષા દળો મોકલાયાની માહિતી મળી છે. ઘણા જવાનોને ફરજમાંથી હટાવાયા છે અને તેમને દક્ષિણ કાશ્મીરમાં તૈનાત કરાયા છે. અમરનાથ યાત્રાને પણ સમય કરતા પહેલા પૂર્ણ કરવાના નિર્દેશ અપાયા છે. દક્ષિણ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે ચાલતા લંગરોને પણ બંધ કરી દેવાના આદેશ અપાયા છે. અમરનાથ યાત્રા માટે ૪૦થી વધુ દળોની કંપનીઓ તૈનાત કરાઇ હતી અને હવે રાજ્યમાં હાઇએલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. રાજ્યના મુસ્લિમ વિસ્તારોમાં આ હલચલથી ભારે ભય ફેલાયો છે. એવા પણ અહેવાલ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં આર્ટિકલ ૩૫-એ સમાપ્ત કરવાની હિલચાલ થઇ રહી હોવાથી આ તૈનાતી કરવામાં આવી રહી છે. આવા અહેવાલોને પગલે રાજ્યના રાજકારણમાં પણ ભારે ગરમાટો વ્યાપ્યો છે. મહેબૂબૂ મુફ્તિએ સૈન્ય દળો તૈનાત કરવા અંગે કહ્યું હતું કે, જો રાજ્યમાં આર્ટિકલ ૩૫-એ સાથે છેડછાડ કરાશે તો વિસ્ફોટક સ્થિતિ પેદા થશે. જ્યારે ગુરૂવારે એનસીના ફારૂક અબ્દુલ્લાહ અને ઓમર અબ્દુલ્લાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી ગયા હતા.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૫-એ હટાવશે
કેન્દ્ર સરકાર ? જાણો રાજ્યમાં શું બદલાઇ જશે ?

કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરના કાયમી નિવાસીઓ સાથે સંબંધિત અનુચ્છેદ ૩૫-એ ખતમ કરવા જઇ રહી હોવાના અહેવાલો છે. તેના કારણે રાજ્યમાં રાજકીય હિલચાલ વધી ગઇ છે. એવું કહેવામાં આવે છે કે આ બાબતના સંદર્ભમાં ટૂંક સમયમાં જ જાહેરાત થઇ શકે છે. જોકે, અનુચ્છેદ ૩૫-એ રદ કરવા સામે કાશ્મીરમાં વિરોધ થઇ રહ્યો છે. અનુચ્છેદ ૩૫-એમાં કોઇ ફેરફાર થયા, એવું ત્યાંના લોકો ઇચ્છતા નથી. જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષો પણ અનુચ્છેદ ૩૫-એ રદ કરવાની વિરૂદ્ધમાં છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ ૩૫-એના સમર્થનમાં સંગઠિત થવા પર ભાર આપી રહ્યાં છે. જ્યારે નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અને ઓમર અબ્દુલ્લાહ પીએમ મોદી સાથે મુલાકાત કરીને પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી રહ્યાછે. આવી પરિસ્થિતિમાં એ સમજવાનું જરૂરી છે કે જો જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૫-એ દૂર કરવામાં આવે તો ત્યાં શું બદલાઇ જશે.
૧. દેશનો કોઇ પણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે, સરકારી નોકરી કરી શકશે, ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન લઇ શકશે.
૨.મહિલાઓ અને પુરૂષો વચ્ચેનો ભેદભાવ ખતમ થઇ જશે.
૩. કોઇ પણ વ્યક્તિ કાશ્મીરમાં જઇને વસવાટ કરી શકશે.
૪. વેસ્ટ પાકિસ્તાનના રેફ્યુજીઓને વોટિંગનો અધિકાર મળશે.

કાશ્મીરમાં વધારાના સૈન્યની તૈનાતીથી પાકિસ્તાન બેચેન, ‘‘ભારતની યુદ્ધની માનસિકતા ચિંતાજનક’’

જમ્મુ-કાશ્મીરમા વધારાના સૈન્ય દળોની તૈનાતીથી પાકિસ્તાનમાં ઉચાટ ફેલાયો છે. પાકિસ્તાનની બેચેનીનો અંદાજો એ વાતથી લગાવાઇ શકે છે કે, તેણે કહ્યું છે કે, આ મામલો સમગ્ર વિશ્વ સામક્ષ ઉઠાવાશે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર બુધવારે વિદેશ મંત્રાલયમાં જમ્મુ તથા કાશ્મીર બાબતોની સંસદીય સમિતીની પાંચમી બેઠક બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારતીય કાર્યવાહી સામે સવાલ ઊભા કર્યા છે. કુરેશીએ જણાવ્યું હતું કે, ભારતની યુદ્ધની માનસિકતા ચિંતાજનક છે. ભારતે કાશ્મીરમાં વધારાના ૧૦ હજાર સૈનિકો મોકલ્યા છે. તેઓ માનવ અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. પાકિસ્તાન આ મુદ્દાને સમગ્ર વિશ્વ સમક્ષ લાવશે. ભારત મંત્રણા માટે પણ તૈયાર નથી અને કોઇની મધ્યસ્થી માટે પણ તૈયાર નથી. આ એક વિચિત્ર સ્થિતિ છે. કુરેશીએ જણાવ્યું કે, ભારત, કાશ્મીરની બંધારણીય સ્થિતિને બદલવા માગે છે અને પાકિસ્તાન આવું થવા દેશે નહીં. અમે સમગ્ર વિશ્વમાં વિદેશી બાબતોની સંસદીય સમિતીઓ સમક્ષ મુદ્દો ઉઠાવીશું. તેમણે કહ્યું કે, યુદ્ધવિરામના સતત ઉલ્લંઘનથી ભારતના દુશ્મનાવટના ખુલ્લાપુરાવા મળે છે જે ક્ષેત્રીય શાંતિ માટે ભયજનક છે. તેમણે ઉમેર્યું કે, કાશ્મીર મામલે સમગ્ર દેશ અને સંસદનું વલણ એકસમાન છે.