(એજન્સી) ઇડુક્કી, તા. ૧૦
કેરળના મોટાભાગના વિસ્તારોમાં કેટલાક દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુરૂવારે અહીંના ઇડુક્કી ડેમના દરવાજા ૨૬ વર્ષ પછી ખોલાયા હતા જ્યારે શુક્રવારે જળાશયમાં પાણીની આવક વધતા તેના તમામ પાંચ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. રાજ્યમાં વરસાદી હોનારતોને પગલે કુલ ૨૮ લોકોના મોત થયા છે. વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી આશરે ૧૫,૬૦૦ લોકોનો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જ્યારે ૫૦૦થી વધુ રાહત કેમ્પ બનાવાયા છે. બચાવ અને રાહત અભિયાનમાં સેના, નેવી, એરફોર્સ અને એનડીઆરએફની ટીમો લાગી ગઇ છે. કેરળ સરકારે કહ્યું છે કે, અવિરત વરસાદને કારણે ડેમની જળસપાટી વધતાં ડેમમાંથી વધુ પાણી છોડવાની જરૂર પડશે. ઇડુક્કી ડેમના પાંચેય દરવાજા ખોલી દેવાયા હતા જ્યારે ત્રીજું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આ ડેમના દરવાજા ૨૬ વર્ષ પછી ખોલવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે વાત કરી હતી અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદનું આશ્વાસન આપ્યું હતું. ઇડુક્કીના મુનારમાં આવેલા વિખ્યાત હિલ સ્ટેશન પર ૨૦ વિદેશીઓ સહિત ૬૯ સહેલાણીઓ ફસાયા છે. ભેખડો ધસી પડવાને કારણે હિલ સ્ટેશન તરફ જતા માર્ગો બંધ થઇ ગયા છે. આ સહેલાણીઓને બચાવવા માટે સેનાને કામે લગાડવામાં આવી છે. ડેમના દરવાજા ખોલાયા બાદ નદી પરનું બ્રિજ દેખાવા લાગ્યું હતું પણ ભારે પાણીના મારાને કારણે નદીના પાણીમાં તણાઇને આવેલા વૃક્ષો અને પથ્થરો બ્રિજને અથડાઇ રહ્યા છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
ચેરૂથોની ડેમના પાંચેય દરવાજા ખોલાયા : ઇડુક્કીમાં આવેલા કુલ ત્રણ જળાશયોમાંથી એક ચેરૂથેની ડેમના તમામ પાંચેય દરવાજા ખોલી દેવાની ફરજ પડી છે. આ ડેમની ઊંડાઇ કુલ ૨,૪૦૩ ફૂટ છે. બપોર સુધી પાણીની આવક વધતા સપાટી ૨,૪૦૧.૫૦ ફૂટ સુધી આવી ગઇ હતી.
ચેરૂથોની શહેરને બચાવાયું : ચેરૂથોની શહેરમાંથી ફસાયેલા લોકોને બચાવી લેવાયા હતા. ઇડુક્કી જિલ્લાના ભાગોને ઉત્તર તથા દક્ષિણને જોડતો બ્રિજ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.
સેલ્ફી લેનારાઓથી કંટાળી ટ્રાફિક પોલીસે બ્રિજને ઢાંકી દીધો : અલુવામાં બ્રિજની બંને સાઇડે પાણી ભરાવાને કારણે જોવા માટે સેંકડોની સંખ્યામાં લોકો આવી ચડ્યા હતા અને સેલ્ફીઓ લઇ રહ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્વારાસતત વિનવણી છતાં લોકો ત્યાંથી ન હટતા આખરે ટ્રાફિક પોલીસે બ્રિજને કપડાથી ઢાંકી દીધો હતો. ટ્રાફિક સબ ઇન્સપેક્ટર મોહમ્મદ કબીરે કહ્યું કે, અમારા માટે કોઇ બીજો માર્ગ નહોતો. બ્રિજની બંને બાજુ લોકો ફોટા પાડવા માટે એકઠા થઇ રહ્યા હતા જ્યારે બ્રિડજના બંને ભાગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પોલીસે બ્રિજ પર કપડાં બાંધી દેતા લોકો ગિન્નાયા હતા.
સંટકનો સામનો કરવા પર મુખ્યમંત્રી વિજયનનું ધ્યાન : મુખ્યમંત્રી પિનારાઇ વિજયને પૂર અને વરસાદની સ્થિતિને જોતા તેમના ૧૦થી ૧૨ તારીખના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા. તેઓ શુક્રવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સમીક્ષા કરવા માટે ગયા હતા અને મુખ્ય સચિવ ટોમ જો તથા નાણા બાબતના અધિક મુખ્ય સચિવ પીએચ કુરિયન સાથે ચર્ચા કરી હતી. કેરળમાંથી આવતા કેન્દ્રીય મંત્રી કેજે આલફોન્સે રાજ્યમાં સૌથી મોટી કુદરતી હોનારત ગણાવી હતી. પૂર્વ મુખ્યમંત્રી એકે એન્ટનીએ કહ્યું હતું કે, સમગ્ર રાજ્ય ભયજનક સ્થિતિમાં છે.
કોંગ્રેસે સ્પેશિયલ નાણાકીય પેકેજની માગણી કરી : કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે લોકસભામાં કેરળના પૂરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે નેવી અને કોસ્ટગાર્ડની મદદની માગણી કરી હતી. આ સાથે જ તેમણે રાજ્ય માટે સ્પેશિયલ નાણાકીય પેકેજની પણ માગણી કરી હતી.
આર્મીની આઠ કોલમ બચાવમાં ઉતરીઃ કેરળના વિવિધ ભાગોમાં બચાવ કાર્યો માટે આર્મીની આઠ કોલમ ઉતારવામાંઆવી છે જેમાંથી બેંગ્લુરૂમાંથી બે અને હૈદરાબાદમાંથી એક કોલમનો સમાવેશ થાય છે. બો કોલમ ઇડુક્કીમાંથી ઉતારાઇ હતી.
પર્વતોના પ્રવાસ પર પ્રતિબંધ મુકાયો : કેરળના પ્રવાસન મંત્રાલયે પર્વતીય વિસ્તારોમાં ભેખડો ધસી પડવાના બનાવોને લઇને પર્વતોના પ્રવાસો પર પ્રતિબંધ મુક્યો છે. થ્રિસૂર જિલ્લામાં આવેલા અથિરાપીલ્લી વોટરફોલ તરફ જતા તમામ માર્ગો વન વિભાગે બંધ કર્યા હતા.

મુન્નાર રિસોર્ટમાં ફસાયેલા વિદેશીઓ સહિત ૫૪ સહેલાણીઓને બચાવાયા

કેરળના ઇડુક્કી જિલ્લામાં આવેલા ચા માટે પ્રખ્યાત પ્રાંત મુન્નારના રિસોર્ટમાંથી ૨૨ વિદેશીઓ સહિત ૫૪ સહેલાણીઓને બચાવી લેવામાં આવ્યા હતા. પ્લમ જ્યુડી રિસોર્ટ ખાતે જતા તમામ માર્ગો ભેખડો ધસી જવાને કારણે બંધ થઇ ગયા હતા અને લોકોને બચાવવા માટે સેનાની મદદ લેવાઇ હતી.
ભેખડો ધસી પડવાની ઘટનાઓમાં કેરળમાં અત્યારસુધી ૨૬ લોકોના મોત થયા હતા. ગુરૂવારે અમેરિકાએ પણ પોતાના નાગરિકોને કેરળના અનેક વિસ્તારોમાં પ્રવાસ ન કરવાની ચેતવણી આપી હતી અને ભેખડો ધસી પડવા તથા પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવા કહ્યું હતું. મહેસૂલ અધિકારીઓ અને આર્મીની ટીમોએ મહામહેનતે માર્ગને ખુલ્લો કરી પ્રવાસીઓને બચાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ઇડુક્કી જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જ રહેવા આદેશ અપાયો હતો. જોકે, ઇડુક્કીમાં આવેલું ડેમ એશિયામાં સૌથી મોટા ડેમમાંથી એક છે. ઇડુક્કીમાં હાલ સરકારે કોઇપણ પ્રવાસન સ્થળે પ્રવાસીઓના જવા પર પ્રતિબંધ મુક્યો છે.