નાગપુર, તા.૪
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં આજે બપોરે ૧.૩૦ વાગ્યે બીજી વન ડે રમાશે. પ્રથમ વન ડે છ વિકેટે હારી ચૂકેલી ઓસ્ટ્રેલિયાની ટીમની મુશ્કેલીઓ બીજી મેચમાં એટલા માટે વધી જશે, કારણ કે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન (વીસીએ) સ્ટેડિયમમાં તેમનો ભારત સામેનો રેકોર્ડ બહુ જ ખરાબ છે. કાંગારુંઓ આ મેદાન પર ભારતને એક પણ વાર હરાવી શક્યાં નથી. નાગપુરના વીસીએ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ વન ડે મેચ રમાઈ છે અને ત્રણેય વાર ઓસ્ટ્રેલિયાની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.
ભારતીય ટીમ આ મેદાન પર કુલ પાંચ વન ડે મેચ રમી ચૂકી છે, જેમાં ત્રણ વિજય અને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે આ મેદાન પર શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામેની મેચ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર એક વાર ન્યૂઝીલેન્ડનો સામનો કર્યો હતો અને ૨૦૧૧ વિશ્વકપની એ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું.
આ મેદાન પર આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મહેન્દ્રસિંહ ધોનીના નામે નોંધાયેલો છે. ધોનીએ અહીં પાંચ મેચમાં ૧૩૪ની સરેરાશથી ૨૬૮ રન બનાવ્યા છે, જેમાં બે સદી સામેલ છે. વિરાટ નાગપુરના આ મેદાનમાં ચાર મેચમાં ૬૯.૬૬ની સરેરાશથી ૨૦૯ રન બનાવી ચૂક્યો છે. રોહિત શર્મા બે મેચમાં ૧૦૨ રનની સરેરાશથી ૨૦૪ રન બનાવી ચૂક્યો છે.
૨૨ રન બનાવતાં જ કોહલીના નામે થશે વર્લ્ડ રેકોર્ડ
વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં (ટેસ્ટ, વન-ડે, ટી-૨૦) ૧૫૮ ઇનિંગ્સમાં ૮૯૭૮ રન બનાવ્યા છે. જો કોહલી આગામી મેચમાં ૪૪ ઇનિંગ્સમાં ૨૨ રન બનાવવા સફળ રહેશે તો કેપ્ટન તરીકે સૌથી ફાસ્ટેસ્ટ ૯૦૦૦ રન બનાવનાર ખેલાડી બની જશે. કોહલી નાગપુરમાં જ આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લે તેવી સંભાવના છે.
ટીમ ઇન્ડિયા માટે કેપ્ટન કોહલીએ ૪૬ ટેસ્ટમાં ૪૫૧૫ રન, ૬૪ વન-ડેમાં ૩૮૫૭ રન અને ૨૨ ટી-૨૦માં ૬૦૬ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૩૫ સદી (૧૮ ટેસ્ટ અને ૧૭ વન-ડે) ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી ફાસ્ટેસ્ટ ૯૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગે ૨૦૩ ઇનિંગ્સમાં આવી સિદ્ધિ મેળવી છે. આ રેકોર્ડ તોડવા માટે કોહલી પાસે હજુ ૪૪ ઇનિંગ્સ છે. જોકે તે નાગપુરમાં જ આ રેકોર્ડ તોડી નાખે તેવી સંભાવના છે. ઓવરઓલ પોન્ટિંગે ૩૨૪ મેચમાં કેપ્ટનશિપ કરતા ૧૫૪૪૦ રન બનાવ્યા છે. જેમાં ૪૧ સદી ફટકારી છે.
Recent Comments