માઉન્ટ મોન્ગેનુઇ, તા.૨૫
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની સિરીઝની બીજો વનડે શનિવારે માઉન્ટ માઉનગાનુઈના બે ઓવલ મેદાન પર રમાશે. ભારત પહેલી વનડે જીતી સિરીઝમાં ૧-૦ થી આગળ છે. વિરાટ કોહલી ત્રીજી વનડે બાદ આરામ પર જવાનો હોવાથી ભારત ફેરફાર કર્યા વગર મેચ જીતી સિરીઝમાં પોતાની પકડ વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. જયારે કિવિઝ સિરીઝમાં વાપસી કરવા તલપાપડ હશે.
માઉન્ટ માઉનગાનુઈ ખાતે પહેલી વાર ભારત અને કિવિઝ મુકાબલો રમશે. કિવિઝ અત્યાર સુધીમાં અહીંયા ૬ વનડે રમ્યું છે, જેમાં તેઓએ ૩ મેચ જીતી અને ૩ મેચ હારી છે. આ વર્ષે લંકા સામેની બંને વનડેમાં કિવિઝે આ મેદાન પર જીત મેળવી હતી. ૩૭૧, ૩૨૬, ૩૧૯ અને ૨૯૮ના સ્કોર રજીસ્ટર થયા હતા. કિવિઝે તે સિરીઝમાં કુશલ પરેરા અને થિસારા પરેરાના પ્રયાસને સફળ થવા ન દીધો હતો. જોકે ભારતની બેટિંગ અને બોલિંગ સામે તેમના માટે એટલી આસાનીથી મેચ જીતવી લોઢાના ચણા ચાવવા સમાન રહેશે. આવતીકાલે વાતાવરણ ક્રિકેટ માટે સરસ રહેશે, મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી.
પહેલી વનડે જીત્યા બાદ ભારતીય ટીમ કોઈ પણ પ્રકારના ફેરફાર કરે તેવી સંભવના નહિવત છે. મોહમ્મદ શમી અને કુલદિપ યાદવ ફોર્મમાં છે. તે ઉપરાંત યૂઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમાર પણ રિધમમાં છે. પાંચમા બોલર- વિજય શંકર અને કેદાર જાધવે સારી બોલિંગ કરી હતી. તેમજ બેટિંગ યુનિટ તરીકે શિખર ધવનના ફોર્મમાં આવાથી ભારતીય ડગઆઉટ એકદમ ખુશ હશે. આ ગ્રાઉન્ડ પર છેલ્લી બે મેચ હાઈ-સ્કોરિંગ થઇ હતી. તે ઉપરાંત કેપ્ટ્‌ન વિરાટ કોહલી ત્રીજા વનડે બાદ ન રમવાનો હોવાથી ભારત સેમ કોમ્બિનેશન સાથે મેદાને ઉતરી શકે છે.