જમૈકા, તા.૨૮
વેસ્ટ ઇન્ડીઝના પસંદગીકારોએ જમૈકા ખાતે ભારત વિરૂદ્ધની બીજી ટેસ્ટ મેચ માટે ૧૩ સભ્યોની ટીમમાં ઓલરાઉન્ડર કીમો પોલનો સમાવેશ કર્યો છે. પગની ઘૂંટીમાં ઈજાને કારણે પોલ પ્રથમ ટેસ્ટમાં રમ્યો ન હતો. તેની ટીમ ભારત સામે ૩૧૮ રનના જંગી અંતરથી હારી હતી. પોલ ફિટ થઇ ગયો હોવાથી તેને ઝડપી બોલર મિગલ કમિન્સની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે. તે સિવાય વિન્ડીઝના સ્ક્વોડમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ભારત-વિન્ડીઝ સિરીઝની છેલ્લી મેચ છે. ભારતની પાસે આ મેચ જીતીને કે ડ્રો રમીને સિરીઝ પોતાના નામે કરવાની તક છે. ટીમ સિવાય ભારતીય ક્રિકેટર ખાસ કરીને વિરાટ કોહલીની પાસે એક એવો રેકોર્ડ બનાવવાની તક છે, જેથી તે દેશનો નંબર-૧ કેપ્ટન બની જશે.
આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ છે અને વેસ્ટ ઇન્ડીઝને ૩૦ ઓગસ્ટથી શરૂ થનારી બીજી અને અંતિમ ટેસ્ટમાં ડ્રો અથવા જીત દ્વારા પ્રથમ પોઇન્ટ મેળવવાની તક આપે છે. ભારતે પોતાનું ખાતું ખોલી નાખ્યું છે અને એન્ટિગુઆમાં જીત બાદ તેના ૬૦ પોઇન્ટ્‌સ છે.
જો આપણે ટકાવારીની વાત કરીએ તો વિરાટ કોહલી અહીં પણ દેશમાં સૌથી સફળ કેપ્ટન છે. ભારતે તેની આગેવાનીમાં ૫૭.૪૪% મેચ જીત્યું છે. આ મામલામાં એમએસ ધોની (૪૫ ટકા) બીજા અને સૌરવ ગાંગુલી (૪૨.૮૫%) ત્રીજા નંબર પર છે. જ્યારે અમે ટકાવારીમાં જીતની વાત કરીએ તો માત્ર તે કેપ્ટનોને સામેલ કરવામાં આવ્યા છે, જેણે ઓછામાં ઓછી પાંચ મેચોમાં આગેવાની કરી છે. અંજ્કિય રહાણે અને રવિ શાસ્ત્રીનો જીતનો રેકોર્ડ ૧૦૦ ટકા છે. પરંતુ રહાણેએ માત્ર બે અને શાસ્ત્રીએ માત્ર એક મેચમાં સુકાન સંભાળ્યું છે. તેથી આ બંનેના રેકોર્ડને અપવાદ માનવામાં આવે છે.