(સંવાદદાતા દ્વારા) વેરાવળ, તા.૧૭
વેરાવળ પંથકમાંથી વર્ષ ૨૦૧૫-૧૬માં રિયલ ઇન્ડિયા પ્રા.લિ. નામની કંપનીએ ઓફિસ ખોલી એજન્ટો મારફતે બચત અને ડિપોઝીટ યોજનાની જુદી-જુદી લલચામણી સ્ક્રીમો આપી ૮૧૫ લોકોના રૂા.૩.૨૫ કરોડ લઇ રફુચક્કર થઇ ગયા હતા. સને ૨૦૧૫માં વેરાવળમાં વિનાયક પ્લાઝામાં રિયલ ઇન્ડિયા પ્રા.લિ. નામની કંપનીની ઓફિસ ખોલી જુદી-જુદી બચત યોજનાઓ અને ડિપોઝીટની સ્ક્રીમો બનાવી હતી. જેમાં રોકાણકારોને એકથી પાંચ વર્ષમાં રોકાણ કરવાથી ૪ ટકાથી લઇને ૧૫ ટકા સુધીના વળતરની ખાત્રી આપતી સ્કીમો એજન્ટો મારફત બજારમાં મૂકી હતી. આ સ્ક્રીમોમાં અંદાજે ૧૫ જેટલો એજન્ટો મારફત ૮૦૦થી વધુ લોકોએ વર્ષ ૨૦૧૫-૧૬ના ગાળામાં અલગ-અલગ સમયે દૈનિક બચત, માસિક બચત અને ડિપોઝીટની સ્કીમોમાં રૂા.૩,૨૫,૧૨,૭૩૩ જેવી માંતબર રકમ કંપનીમાં ડિપોઝીટ કરાવી હતી. આ પૈકીની અમુક રકમ પાકતી મુદતે પૂર્ણ થતાં રકમ મેળવવા કંપનીની ઓફિસે જૂન-૨૦૧૬માં ગઈ ત્યારે કંપની બંધ થઇ ગયેલ હોવાનું જણાયેલ હતું અને ત્યારબાદ ચારથી પાંચ એજન્ટોએ કંપનીના લખનોવ મુકામે ડિરેકટરો અને એમ.ડી. પ્રદીપ ગુપ્તાને રૂબરૂ મળી રકમની માગણી કરેલ હતી. જેની સામે ગુપ્તાએ જણાવ્યું કે, કંપનીએ જમીન ખરીદ કરેલ હોય તે વેચાણ થઇ જશે એટલે તમામ ગ્રાહકોના પૈસા લાભ સહિતના પરત આપવાની ખાત્રી આપી હતી, પરંતુ રકમ આજદિન સુધી પરત આપેલ ન હતી. ઉપરોકત બાબતે એજન્ટ યોગેશ રતિલાલ જોષીએ રિયલ ઇન્ડિયા કંપનીના પ્રદીપ ગુપ્તા, પ્રદયુમનસિંહ, નીખીલકુમાર શ્રીવાસ્તવ, પંકજકુમાર શ્રીવાસ્તવ, પ્રતિક મીશ્રા, જયોતિ ગુપ્તા, મમતા શર્મા, સુસ્મીતા સકસેના, મહમદ હનીફ અને ભોલેનાથ સહાની રહે.તમામ લખનૌ, ઉત્તરપ્રદેશ તથા ધ્રૃવ રમજુભાઇ નીશાદ રહે.બરોડાવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.આઇ. કોલીએ હાથ ધરી છે.