(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ૧૦
રાજ્યના સાત મહાનગરોમાં હાલમાં કડક ટ્રાફિક ઝુંબેશ સાથે દબાણ હટાવની કામગીરી પણ ચાલી રહી છે. આ કાર્યવાહી કરવામાં અતિરેક પણ થઈ જતાં હોવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં પણ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં શહેર પોલીસ શહેરના વિવિધ સ્થળે વાહનોનું ચેકિંગ, પાર્કિંગની જગ્યા ખુલી કરાવવા સહિતની કાર્યવાહી કરી રહેલ છે પરંતુ તેમાં ક્યાંક અતિરેક પણ થાય છે. ખાસ કરીને ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને ચેકિંગના બહાને રૂા. પથી ૧૦ હજારના મેમો પકડાવી દેવામાં આવે છે. તેમાં પણ દ્વિચક્રી વાહનોને પાર્કિંગ કે ટ્રાફિક નિયમના ભંગ સબબ દંડને બદલે રૂા. ૩થી ૭ હજાર સુધીના મેમો પકડાવીને વાહન પણ ડીટેઈન કરી લેવામાં આવે છે. જેમાં સૌથી વધુ ગરીબ વર્ગ, કારીગર વર્ગ, મજૂર વર્ગ જેનું એકમાત્ર હાથવગું સાધન ટુ વ્હીલર છે અને દૈનિક ધોરણે પેટિયું રળતાં લોકોને જાણે કીડીને કોસનો ડામ દઈ દેવાની કાર્યવાહી થઈ રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. આ બાબતે શહેર પોલીસ વ્યવહારીક કાર્યવાહી કરે તેવી આમ જનતાની માગણી અને લાગણી છે. આ બાબતે જૂનાગઢ શહેરના આગેવાનો શા માટે ચૂપ છે ? તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે. ખાસ કરીને જૂનાગઢના ધારાસભ્ય આ બાબતે મધ્યસ્થી કરશે તેવી લોક લાગણી વ્યાપક બની રહી છે.