જૂનાગઢ,તા.૧૭
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા કોથળામાંથી લાશ મળી આવવાનાં બે બનાવોના પગલે અનેક શંકા-કુશંકા વચ્ચેના લાશોનું રહસ્ય ઘેરૂ બન્યું હતું. દરમ્યાન જૂનાગઢના આઈજી સુભાષ ત્રિવેદી, જૂનાગઢ જિલ્લા પોલીસવડા સૌરભસિંગ અને ડીવાયએસપી એમ.એસ. રાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટુકડી રહસ્યનો તાંગ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આખરે કોથળામાંથી મળેલ બે લાશનું રહસ્ય ઉકેલાઈ ગયું હતું અને આ ડબલ મર્ડર કેસમાં ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. જૂનાગઢના વાઝાવાડ વિસ્તારમાં તા.૧ ઓગસ્ટથી ૩ ઓગસ્ટ દરમ્યાન રોહિત રમેશભાઈ વાઘેલા, સીરોજ ઉર્ફે ઉદરડી રફીક નાગોરી, કિશન ઉર્ફે બીટુ રમેશભાઈ પરમારને એક ચોરીના બનાવની શંકા રાખી અને ૧પથી ર૦ જેટલા લોકોએ અપહરણ કરી ઢોર માર મારી અને વીજશોક આપ્યો હતો. આ ઘટનામાં કિશન ઉર્ફે બીટુ પરમાર અને શીરાજ ઉર્ફે ઉદરડીનું મોત થયું હતું અને રોહિત વાઘેલાને ભગાડી દીધો હતો. દરમ્યાન આ બનાવ અંગે ભોગ બનનાર રોહિત રમેશભાઈ વાઘેલાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. દરમ્યાન આ બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી કેમેરા અને આધુનિક સાધનોનો ઉપયોગ કરી રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. સૌ પ્રથમ જેમના ઉપર જીવલેણ હુમલો થયો હતો તે પૈકી રોહિત રમેશ વાઘેલાને રાજકોટથી પોલીસ લાવી હતી અને તેની રોહિત વાઘેલાની ઉંડી પૂછપરછ શરૂ કરી હતી. રોહિત વાઘેલાએ અગાઉ ખારવો કોળી, મુના બચુ, ટાટમ, પીન્ટુ બગી સહિતના ૧પથી ર૦ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે એલસીબી-ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહિલ, સહિતની ટીમ તપાસની કામગીરીમાં જોડાઈ હતી. પોલીસની આ તપાસ આખરી મંઝીલ તક પહોંચી ગઈ હતી અને પોલીસે આ અપહરણ ઈલેકટ્રીક શોક અને હત્યા કેસમાં સંડોવાયેલા રાકેશ ઉર્ફે મુન્ના બચુભાઈ, શૈલેષ ઉર્ફે ટાટમ જમનાદાસ ટાટમિયાં, સંજય ઉર્ફે બગી રામભાઈ ભાદરકાને માંગરોળના દિવાસા ગામેથી ઝડપી લીધા હતા.
આ ત્રણેય શખ્સોની આકરી પૂછપરછ માટે રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવેલ હતા. જયાં તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં થયેલા ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો : ત્રણ આરોપીઓની ધરપકડ

Recent Comments