(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૫
વડોદરા નજીક કલાલી ગામની વડીલોપાર્જીત જમીન પચાવી પાડવા માટે બોગસ દસ્તાવેજ બનાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરનાર યુસુફ કડીયો અને તેના બે સાગરીતોને એસ.ઓ.જી.એ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર જુના પાદરા રોડ પર રહેતા અશ્વીનભાઇ પટેલની કલાલી ગામમાં વડીલોપાર્જીત જમીન આવેલી છે. જેમાં યુસુફ શેખ અને તેના સાગરીતોએ આ જમીનનાં બોગસ અને ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના ઇરાદે અશ્વીનભાઇ અને તેમની માતાના ખોટી સહી અને અંગુઠા લગાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાની ફરિયાદ એસ.ઓ.જી.ને મળી હતી. આ ફરિયાદને આધારે એસ.ઓ.જી.ની ટીમે ભૂમાફીયા યુસુફ કડીયો તથા વિસાસરાવ દેશપાંડે તથા ઇલ્યાસ શેખની ધરપકડ કરી હતી. આજે સવારે એસઓજીની ટીમ યુસુફ કડીયા અને તેના સાગરિતોને લઇ શહેરના મચ્છીપીઠ નાલબંધવાડાથી કારેલીબાગ પોલીસ મથક સુધી ફરી હતી.
યુસુફ વિરૂદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વર્ષ ૨૦૧૦ તથા ૨૦૧૧માં શહેરનાં અને જિલ્લાનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૧૩ ગુનાઓ નોંધાયેલા છે. ભાગતો ફરતો યુસુફ કડીયાને પોલીસે પકડયો હતો. બાદમાં તે જામીન પર છુટયો હતો. જામીન પર છુટયા બાદ પણ તેને આ ધંધો ફરીથી ચાલું રાખ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. વડોદરાની જાહેર જનતાને પોલીસે અપીલ કરતાં જણાવ્યું છે કે યુસુફ સીદ્દીક શેખ ઉર્ફે યુસુફ કડીયા દ્વારા જેમની સાથે પણ આવી કોઇ છેતરપિંડી કરવામાં આવી હોય તો તાત્કાલીક સ્થાનિક પોલીસ તથા એસ.ઓ.જી.ને જાણ કરે.