અમદાવાદ, તા.૨
સરસપુર રેલવે કોલોનીમાં આવેલી ચાઈલ્ડ કેર સંસ્થામાંથી ત્રણ બાળકો નાસી ગયા હોવાની ઘટના બની છે. ગુમ થયેલા આ ત્રણેય બાળકો કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા હતા. ત્યાર બાદ તેને રેલવે પોલીસે સવારે જ ચાઈલ્ડકેર સંસ્થાને સોંપ્યા હતા. જો કે ત્યાર બાદ આ બાળકો સંસ્થામાંથી નાસી ગયા હતા. આ મામલે શહેરકોટડા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ ખેડામાં રહેતા સુનિલ વાઘેલા સરસપુર રેલવે કોલોનીમાં આવેલી પ્રયાસ જેક સોસાયટી નામની ચાઈલ્ડકેર સંસ્થામાં નોકરી કરે છે. બે દિવસ પહેલા સવારે રેલવે ચાઈલ્ડ લાઈનના અધિકારીઓ ૧૦ વર્ષ, ૬ વર્ષ અને ૪ વર્ષના ત્રણ બાળકો આ સંસ્થાને સોંપી ગયા હતા. આ બાળકોને નવડાવ્યા બાદ ખવડાવ્યું હતું. સંસ્થાના કપડાં પણ પહેરાવ્યા હતા. રાતે સુઈ જવાનું કહેતા તેઓ સુતા ન હતા મોડી રાત સુધી તેઓ મસ્તી કરતા હતા. ચાર વાગ્યે તેઓ સુઈ જતા સુનિલ અને તેમની પત્ની સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે જાગતા ત્રણેય બાળકો ગાયબ હતા. આસપાસમાં તપાસ કરતા તેઓ ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. શહેરકોટડા પોલીસે ગુનો નોંધી બાળકોની શોધખોળ શરૂ કરી છે.