(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
સુરત જિલ્લાના પલસાણા તાલુકા નજીક બગુમરા ગામ પાસે યાર્નના દોરા બનાવતી ઈગલ ફાયબર્સ અને બાજુમાં આવેલી જેપીબી ફાયબર્સ મીલમાં ભીષણ આગ લાગી હતી. આ મીલમાં કામ કરનારા ચાર કારીગરો ગુમ હોવાની આશંકાથી ફોરેન્સિક અને પોલીસની ટીમ દ્વારા મીલના કાટમાળમાં તપાસ હાથ ધરી છે. ત્રણ માનવ કંકાળ ઘટના સ્થળેથી મળી આવ્યા છે.
ફાયર બ્રિગેડ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બગુમરા પાસે પ્લાસ્ટિકના દાણામાંથી નાયલોન અને પોલીસ્ટર યાર્ન (દોરા) બનાવતી ઈગલ ફાયબર્સ અને જેપીબી ફાયબર્સમાં ગુરૂવારે મળસ્કે ભીષણ આગ લાગી હતી. શોર્ટ સર્કિટના લીધે લાગેલી આગથી મીલમાં રાખેલ કાચો તેમજ તૈયાર માલ સહિત સંપૂર્ણ મીલ આગમાં સ્વાહા થઈ હતી. આગને કાબુમાં લેવા માટે બારડોલી, પલસાણા, પીઈપીએલ, ગાર્ડન, મીલ સહિત સુરત મહાનગરપાલિકાના ફાયર ફાયટરોએ આગને કાબુમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈગલ ફાયબર્સમાં લાગેલી આગમાં ચાર કામદારો ફસાયા હોવાની આશંકા છે. આગ લાગી તે સમયે કોન્ટ્રાક્ટરના સાત માણસો ચોથા માળે કામ કરી રહ્યા હતા. આગ લાગ્યા બાદ ત્રણ વ્યક્તિ બહાર નીકળી આવ્યા હતા. જ્યારે ચાર કામદારો મીલમાં ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અમોલ, રિન્કુ, રમેશ અને મનોજની શોધખોળ કરવામાં આવતા તેઓ પોતાના રૂમ પર પણ દેખાયા ન હતા. આગ કાબુમાં આવ્યા બાદ ચારેય વ્યક્તિઓના પરિવારના સભ્યો દ્વારા પોલીસને ગુમ થવાની જાણ કરી હતી. પલસાણા પોલીસ અને ફોરેન્સિક સાયન્સ વિભાગની ટીમ દ્વારા મીલના કાટમાળની તપાસ હાથ ધરી છે. આજે બપોર સુધીમાં મીલ ખાતે તપાસ ચાલી રહી છે. આ અહેવાલ લખાય રહ્યાં છે ત્યાર સુધી ચારેય ગુમ થયેલ કારીગરો પૈકી ત્રણ માનવ કંકાળ મળી આવ્યા છે. આ ત્રણ કંકાળ કોના છે તેની તપાસ ચાલી રહી છે.