(સંવાદદાતા દ્વારા) વીરપુર, તા.૮
મહીસાગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગત વર્ષ હાહાકાર મચાવનાર સ્વાઈન ફ્લૂએ આ વર્ષ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં પગપેસારો કર્યો છે. તાલુકામાં અત્યાર સુધી ત્રણ કેશ નોંધાવ્યા છે જેમાં શિકારી સ્વાઈન ફ્લુ બેકાબૂ બની ગંધારી ગામના યુવાકને ભરખી ગયો છે.
વીરપુર તાલુકામાં સ્વાઈન ફ્લૂના આજ દિન સુધી ત્રણ કેશ નોંધાવ્યા છે જેમાં બાર ગામમાં મેહરા બચુભાઈ મગનભાઈ તથા તેમની પત્ની મહેરા મધુબેન બચુભાઈ બંનેને સ્વાઈન ફ્લુનો રિપોર્ટ પોઝેટીવ આવતા કરમસદ કૃષ્ણના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં મધુબેનની તબીયતમાં સુધારો આવતા તેમને કાલે રજા આપવામાં આવી છે. જયારે ગંધારી ગામના રમણભાઈ ડી પટેલને સ્વાઈન ફલૂ પોઝેટીવ આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે તેમનું શુક્રવારના રોજ માંડી રાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ બાબતે આરોગ્ય તંત્રને જાણ થતા આરોગ્ય તંત્રની અલગ અલગ ટિમ બનાવી વીરપુર તાલુકાના ગામોમાં તથા ભોગ બનનાર દર્દીઓની આજુબાજુમાં રહેતા લોકોને ટેમી ફ્લ્યુ નામની ગોળી તથા આયુર્વેદિક ઉકાળો આપવાનો શરૂ કરી ડોર ટુ ડોર નજર રાખવામાં આવી રહી છે. વીરપુર તાલુકા હેલ્થ ઓફિસર માલીવાડે જણાવ્યું હતું કે ૨૮ ટીમો બનાવી તાલુકામાં સર્વેની કામગીરી ચાલી રહી છે. આજે ચાર જગ્યાએ આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભોગ બનનારની આજુબાજુમાં રહેતા લોકો પર સતત નજર રાખવામાં આવી રહી છે. પાછલા ત્રણ દિવસથી કોઈ નવો કેશ જોવા મળ્યો નથી,
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વાઈન ફ્લૂનો ભોગ બનનાર મહેર બચુભાઇ વીરપુર મામલદાર કચેરીમાં ડિઝાસ્ટર વિભાગમાં ફ્લડ કંટ્રોલમાં ફરજ બજાવતા હતા તથા મૃત્યુ પામનાર રમણભાઈ ડી.પટેલ રેવન્યુ તલાટી કમ.મંત્રી તરીકે ફરજ બજાવતા હતા.