(સંવાદદાતા દ્વારા) જંબુસર,તા.૬
જંબુસર તાલુકાના સારોદ ગામ સ્થિત પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝના એમપીપી-પ નંબરના પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા ત્રણ વ્યકિતઓના મોત નીપજયા હોવાના તથા ૧૪ કામદારો ઈજાગ્રસ્ત પૈકી બે કામદારોને વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડયા હોવાના સમાચાર સાંપડયા છે. જયાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. પ્લાન્ટમાં અગમ્ય કારણોસર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતો ૧૭ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે જંબુસર સ્થિત ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તે પૈકી દયાશંકર, તથા ઐયુબ ઘાંચી નામના કામદારને ફરજ ઉપરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. અન્ય ઈજાગ્રસ્તો પૈકી જયારે અશરફ હસનભાઈ દીવાનનું સારવાર વેળા મોત થયું હતું. જાવેદ અનવર સિંધા તથા પ્રવીણકુમાર નામના કામદારની સ્થિતી ગંભીર હોઈ તેઓને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડયા હતા. બાકીના ઈજાગ્રસ્તોને જંબુસર સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વધુમાં જાણવા મળેલ કે એમપીપી-પ નંબરના પ્લાન્ટમાં બીજે માળે પ્રોડકટ ફીલ્ટરની પ્રક્રિયા દરમ્યાન અકસ્માતે પ્રેશર વધવાથી ગેસ તેમજ વરાળ લીક થતા ધડાકો થયો હતો. સારોદ ગામ સ્થિત પી.આઈ. કંપનીમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનાની જાણ ધારાસભ્ય, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ, પ્રભુદાસ મકવાણા ત્વરીત ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના આપી હતી. બીજી તરફ કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે મામલતદાર બી.એ. રોહિત, વિભાગીય પોલીસ અધિક્ષક એ.જી. ગોહિલ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ સંદર્ભે વેડચ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બનાવ સંદર્ભે ફોરેન્સીક લેબની મદદ મંગાવવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. આ દુર્ઘટનાને પગલે નજીકના ગામોમાં ગભરાટની લાગણી પ્રવર્તી ગઈ હતી અને અફવાનો દોર શરૂ થઈ જતાં લોકોમાં ચિંતા પ્રવર્તી ગઈ હતી અને કંપનીમાં કામ કરતા તાલુકાના રહેવાસી અંગે પરિવારજનો ચિંતીત થઈ ગયા હતા અને તેમની કુશળતા જાણવા કંપની ખાતે તથા જંબુસર સ્થિત ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.