(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૮
શહેરના સંત કબીર રોડ પર બેંકમાંથી ઉપાડેલી નિવૃત્તની રકમ આજે બપોરે બાઇક પર આવેલા બે અજાણ્યા લૂંટારૂઓ રૂા.૩ લાખ લૂંટી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે સીસીટીવી ફુટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના સંત કબીર રોડ પર રહેતા રોહિતભાઇ કાયશ્ય પત્ની સાથે આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમાંથી રોકડા રૂા.૩ લાખ ઉપાડીને સંત કબીર રોડ પર આવેલ પોતાની દુકાનમાં આવ્યા હતા. આ રોકડ રકમ તેમને કાચનાં ડ્રોઅરમાં મુકી કામ અર્થે બહાર ગયા હતા. તે દરમ્યાન દુકાનમાં બે અજાણ્યા યુવાનો આવ્યા હતા. એક યુવાને રોહિતભાઇનાં પત્નીને દુકાનની બહાર તમારૂ ટેબલ પડ્યું છે. જેથી રોહિતભાઇના પત્ની દુકાનની બહાર જોવા ગયા હતા. તે દરમ્યાન એક યુવાને કાચ તોડી ડ્રોઅરમાં મુકેલા રોકડ રૂા.૩ લાખની થેલીની લૂંટ ચલાવી બાઇક પર ભાગી છુટયા હતા. તેમની પાછળ રોહિતભાઇના પત્ની દોડયા હતા. પરંતુ બંને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. આ તમામ ઘટના નજીકનાં સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ભરબપોરે ટ્રાફિકથી ધમધમતા લહેરીપુરા વિસ્તારમાં બનતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે રોહિતભાઇએ વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસી ટીવી કુટેજનાં આધારે તપાસ હાથ ધરી હતી.