હિંમતનગર, તા.૧૩
હિંંમતનગરના સિવિલ સર્કલ સામે આવેલ વાઘેલા વાસમાં રહેતા નવ લોકો જૂનાકપડા લેવા માટે ટેમ્પો લઈને અમદાવાવદ જઈ પરત આવી રહ્યા હતા ત્યારે હાજીપુર નજીક અચાનક ટેમ્પો પલ્ટી ખાઈ જતા તેમાં બેઠેલા ત્રણ જણાને ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યા હતા તથા અન્ય છને ઈજા થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા. જે અંગેની ફરિયાદ મોડી રાત્રે હિંમતનયર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બુધવારે હિંમતનગરના સિવિલ સર્કલ સામે આવેલ વાઘેલા વાસમાં રહેતા અંદાજે નવ લોકો જૂના કપડા વેચવાનો ધંધો કરતા હોવાથી જૂના કપડા લેવા માટે ટેમ્પો નં. જી.જે.૦૯ઝેડ ૩૮ર૬ના ચાલક રમેશભાઈ પટેલને લઈને અમદાવાદ ગયા હતા. ત્યાંથી જૂના કપડા ખરીદી બુધવારે સાંજે ટેમ્પોમાં બેસી હિંમતનગર આવી રહ્યા હતા.
દરમ્યાન તેઓ હાજીપુર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ટેમ્પોના ચાલકે ડ્રાઈવિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો જેના કારણે ટેમ્પોમાં બેઠેલા બે મહિલા અને એક યુવાનનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું.
બીજી તરફ ગણેશચતુર્થી પૂર્વે બનેલી આ ઘટના અંગે હિંમતનગર વાઘેલા વાસમાં ખબર પડતા મૃતકો તથા ઈજાગ્રસ્તોના સ્નેહીજનો તરત જ હાજીપુર નજીક બનેલ ઘટનાસ્થળે પહોંચી ગયા બાદ તરત જ ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતની ઘટના અંગે વાઘેલા વાસમાં રહેતા રાજુભાઈ મણીભાઈ વાઘેલાએ ટેમ્પોચાલક રમેશભાઈ પટેલ વિરૂદ્ધ હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.