સિંગાપોર, તા.૨૭
સ્વિસ ટેનિસ સ્ટાર માર્ટિના હિંગિંસે પોતાની નિવૃત્તિની ઘોષણા કરી દીધી છે. આની સાથે જ એક એવા કેરિયરની પૂર્ણાહૂતિ થઇ છે જેમાં તે ૧૯૯૦ના દશકમાં કિશોરી તરીકે સુપર સ્ટાર બની હતી અને ત્યારબાદ ૨૦ વર્ષ પછી ડબલ્સમાં નંબર વન બની હતી. ૩૭ વર્ષીય માર્ટિના હિંગિંસ આ પહેલા બે વખત નિવૃત્તિ લઇ ચૂકી છે. એક વખતે કોકિન માટે કરવામાં આવેલા પરીક્ષણમાં પોઝિટિવ આવ્યા બાદ ટેનિસમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. માર્ટિના હિંગિંસે કહ્યું છે કે, સિંગાપોરમાં ચાલી રહેલી ડબલ્યુટીએ ફાઇનલ તેની અંતિમ સ્પર્ધા છે. હિંગિંસ ચાન યાંગની સાથે મળીને રમી રહી છે. તેનું કહેવું છે કે, હવે નિવૃત્તિ લીધા બાદ તે પરત ફરવાની યોજના ધરાવતી નથી. તેનું કહેવું છે કે, નિવૃત્તિ લેવાનો આ મુખ્ય સમય છે. સ્વિસ પ્રોફેશનલ ટેનિસ ખેલાડી હાલમાં ડબલ્સમાં નંબર વન ખેલાડી છે. સિંગલ્સમાં પ્રથમ ક્રમાંક ઉપર માર્ટિના હિંગિંસ ૨૦૯ સપ્તાહ સુધી રહી હતી અને પાંચ ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા. ૧૩ ગ્રાન્ડસ્લેમ મહિલા ડબલ્સ ટાઇટલ જીત્યા હતા. ૧૯૯૮માં કેલેન્ડર વર્ષ ડબલ્સ ગ્રાન્ડસ્લેમની સિદ્ધિ મેળવી હતી. સાત ગ્રાન્ડસ્લેમ મિક્સ્ડ ડબલ્સ ટાઇટલ જીત્યા છે. એકંદરે ૨૫ મોટી સ્પર્ધાઓ જીતી છે. ઓલિમ્પિક સિલ્વર મેડલ જીતવામાં પણ તે સફળ રહી છે. ૧૯૯૦ના દશકમાં સિંગલ્સમાં માર્ટિના હિંગિંસે અનેક રેકોર્ડ પોતાના નામ ઉપર કર્યા હતા. જેમાં સૌથી નાની વયે ગ્રાન્ડસ્લેમ જીતનાર ખેલાડી બની હતી. ત્યારબાદ સૌથી નાની વયમાં પ્રથમ ક્રમાંક ઉપર પહોંચી જનાર ખેલાડી બની હતી. ૨૦૦૨માં પ્રોફેશનલ ટેનિસમાંથી ઇજા અને અન્ય કારણોસર ખસી ગઈ હતી. માત્ર ૨૨ વર્ષની વયમાં ૪૦ સિંગલ્સ ટાઇટલ અને ૨૬ ડબલ્સ ટાઇટલ જીતી ગઈ હતી. વર્ષ ૧૯૯૭થી ૨૦૦૧ના ગાળા દરમિયન સતત પાંચ વર્ષ સુધી વિશ્વમાં સૌથી વધુ નાણા મેળવતી એથ્લિટ તરીકે માર્ટિના હિંગિંસને જાહેર કરવામાં આવી હતી. ૨૦૦૬માં વાપસી કર્યા બાદ હિંગિંસે ત્રણ સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા. નવેમ્બર ૨૦૦૭માં ફરી તે નિવૃત્ત થઇ ગઇ હતી. જુલાઈ ૨૦૧૩માં હિંગિંસ રિટાયર્ટમેન્ટને પરત ખેંચીને ફરી પ્રવેશી હતી અને ડબલ્સમાં એન્ટ્રી કરી ગઈ હતી. સાનિયા મિરઝાની સાથે મળીને હિંગિંસે ત્રણ સતત ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા ડબલ્સમાં જીતી હતી. ત્યારબાદ પણ તેની જીતનો સિલસિલો જારી રહ્યો હતો.