અમદાવાદ,તા.પ
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની એકસાઈઝ કયુટીમાં માત્ર રૂા.રના ભાવઘટાડાનું નાટક કરી તમામ રાજય સરકારોને વેટમાં ઘટાડાની સલાહ આપી છે. ત્યારે ગુજરાત સરકાર પેટ્રોલ અને ડીઝલમાં વેટ અને સેસ સાથે ર૮ ટકા વસુલ કરે છે ત્યારે ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં પેટ્રોલિયમ પ્રોડકટની ટોટલ આવક રૂા. ર૭,૭૬ર૦૪ કરોડ થઈ હતી તેમજ નાણાકીય વર્ષમાં સરકારની આવક રૂા.૧૦ હજાર કરોડથી વધશે. બેફામ ઉંચા સરકારી કરવેરાઓના કારણે પેટ્રોલ-ડીઝલની પડતર કિંમત કરતા બમણા ભાવો ગ્રાહકોને ચૂકવવા પડે છે. તેવો સણસણતો આક્ષેપ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે.
ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની એકસાઈઝ ડયુટીમાં ફકત રૂા.રના ભાવઘટાડાનું નાટક કરી તમામ રાજય સરકારોને વેટમાં ઘટાડાની સલાહ આપી છે. ત્યારે ગુજરાત સરકાર પેટ્રોલ અને ડીઝલમાં વેટ અને સેસ સાથે ર૮ ટકા વસુલ કરે છે. સીએનજી, પીએનજી પર ૧પ ટકા વેટ અને એલપીજી પર પ ટકા જીએસટી વસુલ કરે છે. આજે પેટ્રોલનો ૧ લીટરનો વેચાણભાવ રૂા.૭૦.૧પ છે. ગુજરાત સરકારને ૧ લીટર દીઠ રૂા.૧૪ની વેટની આવક તેમજ કેન્દ્ર સરકારને ૧ લીટરદીઠ રૂા.૧૯ની એકસાઈઝ ડયુટીથી આવક થાય છે. ડીલરનું કમિશન અને સરકારી કરવેરાઓ બાદ કરીએ તો પેટ્રોલની પડતર કિંમત રૂા.૩૪ થાય છે. કેન્દ્ર અને રાજય સરકાર ટોટલ રૂા.૩૩નો બેફામ અને રાક્ષસી ટેક્ષ વસુલ કરે છે. આજે ડીઝલનો ૧ લીટરનો વેચાણભાવ રૂા.૬૩.ર૧ છે. ગુજરાત સરકારને ૧ લીટર દીઠ રૂા. ૧રની વેટની આવક તેમજ કેન્દ્ર સરકારને ૧લીટર દીઠ રૂા.૧૭ની એકસાઈઝ ડયુટીથી આવક થાય છે ડીલરનું કમિશન અને સરકારી કરવેરાઓ બાદ કરીએ તો ડીઝલની પડતર કિંમત રૂા. ૩૧ થાય છે. કેન્દ્ર અને રાજય સરકાર ટોટલ રૂા.ર૯નો બેફામ અને રાક્ષસી ટેક્ષ વસુલ કરે છે. સરકાર જાગો ગ્રાહક જાગોનો પ્રચાર, પ્રસાર કરે છે. પરંતુ સરકારી નફાખોરી, સરકારી લૂંટ અને સરકારી આર્થિક આતંકવાદ ટેક્ષ ટેરરીઝમ ખતરનાક છે. ગ્રાહકો મતદાર નથી ગ્રાહકો જાગૃત અને સંગઠિત નથી. આથી સરકારી લૂંટ લૂંટ ચાલુ રહે છે. ગુજરાત સરકારને છેલ્લા ૩ નાણાકીય વર્ષ ૩૧ માર્ચ ર૦૧૭ સુધી પેટ્રોલમાંથી વેટની આકવ ૭૦૦૦.પ૧ કરોડ, ડીઝલની આવક રૂા.૧પ,પ૮૧.૭૯ કરોડ, કેરોસીનમાં રૂા.ર૧.૬૦ કરોડ, એલપીજીમાં રૂા.૩૭૩.૯૯ કરોડ, સીએનજીમાં રૂા.૧ર૪૧.૪૯ કરોડ અને પીએનજીમાં રૂા. ૩પ૪ર.૬૬ કરોડની આવક થઈ છે. આરટીઆઈ દ્વારા માહિતી મળી છે કે, પેટ્રોલિયમ પ્રોડકટની ૩ વર્ષની ટોટલ આવક રૂા.ર૭,૭૬ર.૦૪ કરોડની આવક થઈ હતી. મુકેશ પરીખે મોંઘવારીથી પીડીત પ્રજાને રાહત આપવા માટે વેટનો ટેક્ષ ઘટાડવા સરકાર સમક્ષ વારંવાર સંખ્યાબંધ અનેક રજૂઆતો કરી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટના ટેક્ષની ટકાવારીની પધ્ધતિ નાબુદ કરી લીટર દીઠ ફિકસ રૂા.૧૦નો ટેક્ષ વસુલ કરવો જોઈએ. કેન્દ્ર સરકારે એકસાઈઝ ડયુટીમાં ટકાવારીની પધ્ધતિ નાબુદ કરી લીટર દીઠ ફિકસ રૂા.૧૦ની ડયુટી વસુલ કરવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નાણામંત્રી અરૂણ જેટલી અને પેટ્રોલિયમ મંત્રીને તેમજ તમામ રાજકીય પક્ષો અને સાંસદોને ગ્રાહક સુરક્ષાના માધ્યમથી આવેદનપત્રો પાઠવી રજૂઆત કરવામાં આવશે. તમામ ગ્રાહકો નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને પત્રો પાઠવી ‘જાગો સરકાર જાગો’ ‘ટેક્ષ ઘટાડો’ના પત્રો પાઠવવાની ઝુંબેશ શરૂ કરાશે.