(સંવાદદાત દ્વારા) અંક્લેશ્વર, તા. ૭
નર્મદા જિલ્લાનાં દેડિયાપાડામાં આવેલા પ્રવાસનધામ નિનાઈધોધ ખાતે ફરવા માટે આવેલા અંકલેશ્વરનાં ત્રણ યુવાનો ડૂબી ગયા હોવાની વિગતો સામે આવી છે.
અંકલેશ્વરની પટેલપાર્ક સોસાયટીમાં રહેતાં ૮ યુવાનો આજે ફરવા માટે દેડિયાપાડાના માલસામોટ નજીક આવેલા નિનાઈધોધ ખાતે ફરવા માટે ગયા હતા. દરમિયાન કેટલાંક યુવાનોએ પાણીમાં ઉતરવાનો પ્રયાસ કરતાં એક યુવાન પાણીમાં ડૂબી રહ્યો હતો. જેને બચાવવા જતાં અન્ય બે યુવાનો પણ ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. પાણીમાં ડૂબેલા યુવાનોમાં સંદીપ ચૌહાણ, આકાશ બબનજા અને યસ સોની હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. દેડિયાપાડા પોલીસને ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ શોધવાની કામગીરી હાથ ધરી અંકલેશ્વર પોલીસનો સંપર્ક કરીને તેમનાં પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. બાદમાં તેમણે સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહો શોધવાની કામગીરી કરી હતી.
સાંજ સુધી કોઈ મૃતદેહ મળી આવ્યો નથી. વનવિભાગનાં આરએફઓએ દેડિયાપાડા મામલતદાર તેમજ પોલીસને ઘટનાની જાણ કરી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આવતી કાલે પાણીમાં મૃતદેહ શોધવા માટે અંકલેશ્વરથી ફાયરનાં જવાનોને બોલાવવાની પણ માંગણી કરી છે. દેડિયાપાડા પોલીસને ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસનો સંપર્ક કરીને તેમનાં પરિવારજનોને જાણ કરી હતી. જે બાબતની જાણ પરિવારને થતાં સ્વજનો આઘાતમાં સરી પડ્યા હતા. ડૂબેલા યુવાનોનાં પરિવારજનો અંકલેશ્વરથી નિનાઈધોધ જવા માટે નીકળી ગયા હતા. બીજી તરફ એક સાથે ૩ યુવાનોનાં મોતથી સોસાયટીમાં માતમ છવાયો હતી.