(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૮
શહેરના વટવા વિસ્તારમાં બેંકના એટીએમમાં રોકડ લોડ કરવાનું કામ કરતી એજન્સીના કર્મચારીઓએ જ રૂા.૩.૯૧ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.ફરિયાદના આધારે વટવા પોલીસે ૩ આરોપીને ઝડપી પાડી તપાસ કરતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.કેમકે આરોપીઓ બેંકના એટીએમમાં ૧૦૦ની નોટના ખાનામાં બે હજારની નોટ મુકીને તે એટીએમમાંથી પોતાના ડેબિટ કાર્ડથી નાંણા ઉપાડીને બેંકમાંથી કપાતી રકમ કરતા વધારે નાંણા મેળવીને ઠગાઇ આચરતા હતા.
લોજીકેશ કંપનીમાં નોકરી કરતા આરોપી અરૂણ દુબે,નિશાંત મિશ્રા,સંજીવ શિખરવાલ,ચંન્દ્રપ્રકાશ શર્મા અને કિશન મકવાણાએ એટીએમ મશીનોમાં છેડછાડ કરીને રૂા.૩.૯૧ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ શૈલેષભાઇ નાલવાડે વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.ત્યારે આ ઘટનાની ગંભીરતાને જોતા વટવા પોલીસએ આરોપીઓને ઝડપથી પકડી પાડવા તજવીજ હાથધરી હતી.દરમ્યાન આરોપી સંજીવ ભિખેન્દ્રસિંગ શિખરવાલ,કિશન ગણેશભાઇ મકવાણા અને ચંદ્રપ્રકાશ પ્રેમશંકર શર્માને પકડી પાડ્યા હતા.આરોપીઓની પુછપરછમાં ચંદ્રપ્રકાશ અને કિશનએ કબુલ્યું હતું કે તેઓ જ્યારે એટીએમ મશીનમાં નાંણા અપલોડ કરવા જતા ત્યારે રૂા.૧૦૦ના ખાનામાં રૂા.૨૦૦૦ની ચલણી નોટ મુકી દેતા હતા.ત્યારબાદ તેઓ પોતાના બેંક એકાઉન્ટના ડેબિટ કાર્ડથી અગલ અગલ રકમ ઉપાડતા જેના લીધે એટીએમ મશીનમાંથી રૂા.૧૦૦ની જગ્યાએ રૂા.૨૦૦૦ની નોટ નીકળતી હતી.એેટલે તેમના એકાઉન્ટમાંથી નાંણા કપાઇ તેની ગણતરી રૂા.૧૦૦ લેખે થતી હતી.આમ નાંણા ઓછા કપાય અને મળે વધારે.આ મોડસ ઓપરેન્ડીથી ચંદ્રપ્રકાશએ વિરમગામ ખાતે એટીએમમાં નાંણા અપલોડ કરવા ગયો ત્યારે રૂા.૨૦ હજાર ઉપાડ્યા પરંતુ તેની સામે એટીએમમાંથી રૂા.૪ લાખ નિકળ્યા તેવી જ રીતે વધુ રૂા.૫ લાખ ઉપાડી લીઘા હતા.એટલે કુલ રૂા.૯.૫૦ લાખ ઉપાડ્યા હતા.ત્યારે વટવા પોલીસએ રૂા.૯.૫૦ લાખ કબ્જે કર્યા છે.
સમગ્ર છેતરપિંડી કેસમાં વટવા પોલીસે બેંક અને લોજીકેશ સોલ્યુશન પ્રા.લી કંપનીના કર્મચારીની સંડોવણી છે કે કેમ ? આરોપીઓએ છેતરપિંડીની રકમથી કોઇ મિલકત ખરીદી હોય તો તે કબ્જે કરવા તથા એટીએમના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવાની દિશામા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.