(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૫
કોંક્રિટનાં જંગલો વધતા જતા હોવાથી ચકલીઓ સહિતનાં કેટલાક પક્ષીઓ લુપ્ત થઇ રહ્યાં છે. ત્યારે વડોદરા શહેરનું એક દંપતિ ચકલીઓનાં રક્ષણ અને તેની સંખ્યા વધારવા માટે કામ કરે છે. આ દંપતિ પોતાની આવકનો ૩૦ ટકાનો હિસ્સો ચકલીઓને બચાવવા પાછળ વાપરે છે.
કોંક્રિટના જંગલોએ શહેરી સિમાડા પાર કરીને ગામડાઓ સુધી પહોંચી ગયા છે. આને પગલે ચકલીઓ આજે જોવા મળતી નથી. ચકલીઓનું પ્રમાણ ક્રમશઃ ઘટી રહ્યું છે. અગાઉ લોકોનાં ઘરોમાં ચકલીઓ ચહેકતી જોવા મળતી હતી. ઘરમાં જ માળા બનાવીને ઘરનાં પરિવારનાં સભ્યોની જેમ રહેતી હતી. પરંતુ ગ્લોબલ વોર્મિંગને પગલે ચકલીઓ નામશેષ થવા જઇ રહી છે. આવા સમયમાં શહેરનાં આજવા રોડ પર રહેતાં અલીઅસગર વ્હોરા અને તેમના પત્ની રૂકૈયાબેન વ્હોરા રવિવારની રજાના દિવસે હરવા ફરવા જવાને બદલે શહેરના વિવિધ વિસ્તારોમાં ચકલીઓની શોધમાં નિકળી પડે છે. જ્યાં ચકલીઓની સંખ્યા વધારે દેખાય તે વિસ્તારોમાં માટીનાં ચકલીના માળા અને માટીનાં બાઉલનું સ્થાનિક રહીશોમાં વિતરણ કરીને રવિવારની રજાનો દિવસ પસાર કરે છે.
આજવા રોડ પર સીલ્વર પોઇન્ટ એપાર્ટમેન્ટમાં રહેતાં અલીઅસગર એમ.એસ.યુનિ.માં ઝૂઓલોજી વિભાગમાં પી.એચ.ડી. કરી રહ્યાં છે. તેમના પત્ની રૂકૈયાબેનએ બી.એસ.સી. સુધી અભ્યાસ કરેલો છે. અલીઅસગરભાઇ વર્ષ ૨૦૧૨ થી ચકલીઓને બચાવવા માટેની કામગીરી કરી રહ્યાં છે. વર્ષ ૨૦૧૮માં તેમના લગ્ન થયા બાદ તેમના પત્ની પણ પતિનાં ચકલી બચાવ અભ્યાનમાં જોડાયા છે. દંપતિએ લગ્ન સમયે લગ્નમાં આવનાર મહેમાનો પાસે ગીફટમાં ચકલીઓનું રક્ષણ કરવાની ખાત્રી લીધી હતી. જે મહેમાનોએ ગીફટમાં ચકલીનાં રક્ષણ માટેની ખાત્રી આપી હતી. તે મહેમાનોને ચકલીઓનો માળો અને પાણીનું બાઉલ ગીફટમાં આપ્યું હતું. અલીઅસગર વ્હોરાએ જણાવ્યું હતું કે, અમારો જન્મ શહેરના છાણી ગામમાં થયો હતો. હું નાનો હતો ત્યારે મારા દાદા મને નિયમિત પક્ષીઓને ચણ નાખવા માટે લઇ જતાં હતા. ત્યારથી મને પક્ષીઓની રક્ષા માટેની લગન લાગી હતી. મેં પણ ચકલીઓનું રક્ષણ કરવા માટેનું બીડુ ઝડપ્યું છે. મારૂ સ્વપ્ન છે કે, જ્યાં સુધી મારા હાથમાં ચકલીઓ ચણ ચણવા નહીં આવે ત્યાં સુધી મારૂ અભિયાન ચાલું રાખીશ. અમે શાળાના વિદ્યાર્થીઓને ચકલીઓ અને પ્રકૃતિ જાળવવા માટે જાગૃત કરવાનું કામ કરીએ છીએ.
પક્ષીપ્રેમી અલીઅસગરભાઇએ અભિયાન દરમ્યાન નોંધ્યું હતું કે, શહેરમાં સૌથી વધુ ચકલીઓ જુના મકાનમાં રહેવાનું વધુ પસંદ કરે છે. સોસાયટી વિસ્તારમાં માટીનાં માળામાં રહેવાનું વધુ પસંદ કરે છે. શહેરના જુના વિસ્તાર વાડી, મોગલવાડા, પાણીગેટ, અજબડી મીલ, તેમજ શહેરનાં સોસાયટી વિસ્તાર એવા તરસાલી, છાણી, મકરપુરા, ઉંડેરા, ગોરવા જેવા વિસ્તારોમાં જોવા મળે છે. ચકલીઓ માટે વૃક્ષા રોપણ પણ મહત્વનું હોવાથી ચકલીઓની રક્ષા સાથે લોકોને વૃક્ષા રોપવા માટે પણ અપીલ કરીએ છીએ. તેમના પત્ની રૂકૈયાબેને જણાવ્યું હતું કે, લગ્ન પૂર્વે મને મારા પતિ પક્ષી અને પ્રકૃતિ પ્રેમી છે એવી જાણ થતા હું ખુશ થઇ ગઇ હતી. મેં તે જ સમયે નક્કી કરી લીધુ કે, હું લગ્ન પછી મારા પતિ સાથે તેમના અભિયાનમાં જોડાઇશ. રવિવારની રજાનો દિવસ ચકલીઓનાં રક્ષણ કરવામાં કયાંય પસાર થઇ જાય છે તેની અમને ખબર પડતી નથી. ૨૦ માર્ચે આવતા વિશ્વ સ્પેરો (ચકલી) દિવસે અમો અમારા જન્મ દિવસ અને લગ્ન તિથિ હોય તે રીતે આ દિવસને ઉજવીએ છીએ. અમે જ્યારે લોકોને ચકલીઓનાં રક્ષણની વાત કરીએ છીએ તે વખતે લોકો પણ અમોને આ અભિયાનમાં સહકાર આપે છે.