નવી દિલ્હી, તા.૨
ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં પ્રચંડ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા જુદા જુદા બનાવોમાં ૩૦થી પણ વધુ લોકોના મોત થયા છે. જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વીજળી પડવાના પણ અનેક બનાવો બન્યા છે. ગઈકાલે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં તોફાને વિનાશ સર્જ્યો હતો. એકલા ઉત્તરપ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાં ૧૭થી વધુ લોકોના મોત થયા હતા. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં ચાર લોકોના મોત થઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં જુદા જુદા વિસ્તારોમાં છ લોકોના મોત થઈ ગયા છે. ઉત્તરપ્રદેશ સરકારે આજે કહ્યું હતું કે મોટાભાગના લોકોના મોત વૃક્ષો અને મકાન પડવાના કારણે થયા છે. મુરાદાબાદમાં સૌથી વધુ નુકસાન થયું છે જ્યાં સાત લોકોના મોત થયા છે. સંભાલમાં ત્રણ લોકોના મોત થયા છે. મુજફ્ફરનગર અને મેરઠમાં બે બે લોકોના મોત થયા છે. અમરોહામાં એકનું મોત થયું છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ જારી રહેતા જનજીવન ખોરવાઈ ગયું છે. કેદારનાથની યાત્રા બંધ કરવાની ફરજ પડી છે. જેથી મોટી સંખ્યા ચારધામના શ્રદ્ધાળુઓ અટવાયા હોવાના પણ અહેવાલ મળ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ નુકસાન થયું છે. નાદીયા અને પશ્ચિમી મિદનાપુર જિલ્લામાં બે બે લોકોના મોત થયા છે. આવી જ રીતે વીરભુમ અને પશ્ચિમી વર્ધમાનમાં બે લોકોના મોત થયા છે. દક્ષિણ બંગાળમાં વધુ વરસાદની આગાહી કરાઈ છે. હિમાચલના વિવિધ ભાગો, દિલ્હી અને એનસીઆરમાં પણ વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. સોમવારના દિવસે જુદા જુદા રાજ્યોમાં ૩૪ લોકોના મોત થયા હતા. તે પહેલા બીજી મેના દિવસે ઉત્તર ભારતમાં તોફાન અને વાવાઝોડા તથા વરસાદે ભારે નુકસાન સર્જ્યું હતું. આમાં ૧૪૦થી વધુ લોકોના મોત થયા હતા. શુક્રવાર અને શનિવારના દિવસે એટલે કે જુનના પ્રથમ બે દિવસમાં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ૩૦ થી વધુ લોકોના મોત થતા પહેલા સોમવાર અને મંગળવારના દિવસે પણ આંધી તોફાનના કારણે ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ભારે નુકસાન થયું હતું. આંધી-તોફાન અને વરસાદે તાંડવ મચાવી દેતા સોમવાર અને મંગળવારના દિવસે બે દિવસમાં જ ૩૨થી વધારે લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આંધી તોફાનના કારણે ભારે નુકસાન પણ થયુ હતું. બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં મોડી રાત્રે આંધી અને તોફાન તેમજ વરસાદના કારણે ભારે નુકસાન થયુ હતું.સૌથી વધારે નુકસાન બિહારમાં થયુ હતું. જ્યાં હજુ સુધી ૧૮થી વધુ લોકોના મોત થઇ ગયા હતા. ઝારખંડમાં ૧૪ લોકો લોકોના મોત થયા હતા. ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં વિજળી પડવાના કારણે પાંચ લોકોના મોત થયા હતા. મે મહિનામા પ્રચંડ તોફાન અને વરસાદથી છ રાજ્યોમાં ૧૬૦થી પણ વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. આની સાથે જ એપ્રિલ બાદથી તોફાનોમાં મોતનો આંકડો ૩૪૮ ઉપર પહોંચ્યો છે. મેના પ્રથમ બે સપ્તાહમાં મોતનો આંકડો ૨૨૩ રહ્યો હતો.જ્યારે એપ્રિલ મહિનામાં ૫૫ લોકોના મોત થયા હતા. ગયા વર્ષે વાવાઝોડામાં ૧૯૭ના મોત થયા હતા જ્યારે ૨૦૧૬માં ૨૧૬ના મોત થયા હતા.