(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
ઈવીએમ મશીનોમાં લોકોને હજી પણ શંકા છે. શંકાને ઘેરી બનાવે તેવો બનાવ ૧૪૪ રાવપુરા વિધાનસભા માટે ફાળવેલા ૩૦૦ ઈવીએમ મશીર પૈકી ૧પ૦ મશીનોને કોંગ્રેસના ઉમેદવારની ગેરહાજરીમાં સીલ મારી દેવામાં આવતા ભારે હોબાળો મચાવ્યા બાદ સંબંધિત ચૂંટણી અધિકારીએ ફરીથી સીલ મારવાનો નિર્ણય લેતા મામલો થાળે પડ્યો હતો.
તા.૧૪મી ડિસે.ના રોજ બીજા તબક્કાનું મતદાન શરૂ થાય તે પૂર્વે ૧૪૪-રાવપુરા વિધાનસભા ચૂંટણી માટે ૩૦૦ ઈવીએમ મીશનો ફાળવી આપવામાં આવ્યા છે. આ તમામ મશીનો કારેલીબાગ સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવનમાં રાખવામાં આવ્યા છે. આજે ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓને કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવની ગેરહાજરીમાં ૩૦૦ પૈકી ૧પ૦ મશીનોને સીલ મારી દીધા હતા. જ્યારે બાકીના ૧પ૦ માટે તેમને જાણ કરવામાં આવી હતી.
આજે સવારે કોંગ્રેસના કાર્યકરો મશીનોનું ટેસ્ટીંગ નિહાળવા હાજર હતા. ત્યારે તેમને જાણ થઈ હતી કે બીજા ૧પ૦ મશીનોને પહેલા સીલ કરી દેવાયા છે. આથી તેમણે ઉમેદવારને પણ કરતા શિક્ષણ ભવન ખાતે દોડી આવ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવારે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. મદદનીશ ચૂંટણી અધિકારી રાજશ્રી ડામોરે સીલ કરેલા ૧પ૦ મશીનોને ટેસ્ટ કરી સીલ મારવાની ઉગ્ર રજૂઆત કરી હતી. ઉમેદવારે રજૂઆત કરી હતી કે જો આ રીતે ચૂંટણી કરવાની હોય તો તેનો કોઈ અર્થ નથી, શંકા ઉપજાવે તેવી બાબત છે.
ઉમેદવારને રાજશ્રી ડામોરે જણાવ્યું હતું કે તા.૪, પ અને ૬ના રોજ મશીનો સીલ કરવાના હોવાથી કોંગ્રેસ સહિત અન્ય પક્ષના ઉમેદવારને હાજર રહેવા જણાવેલ પણ કોઈ આવ્યું નહીં એટલે ૧પ૦ મશીનોને દિલ્હીથી આવેલા ચૂંટણી અધિકારીઓની હાજરીમાં સીલ મારેલા છે. આજે કોંગ્રેસના ઉમેદવારની ફરિયાદના આધારે ૧પ૦ મશીનો ફરીથી સીલ મારવામાં આવશે.