(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૨૩
બેંગ્લુરૂમાં એર શોના કાર્યક્રમ સ્થળે આવેલા પાર્કિંગમાં શનિવારે બપોરે ભયાનક આગ ફાટી નીકળતા ૩૦૦ જેટલા વાહનો બળીને ખાખ થયા હતા. અધિકારીઓ અનુસાર ઘાસવાળા મેદાનમાં કોઇએ સિગારેટ ફેંકતા તેની ચિનગારીને કારણે આગ ફેલાઇ હોવાનું જણાય છે. ઉત્તર બેંગ્લુરૂમાં યેલાહાન્કા એર બેઝ નજીક આકાશમાં આગને કારણે ધુમાડાના ગોટેગોટા દેખાઇ રહ્યા હતા જ્યાં દ્વિવાર્ષિક એરો ઇન્ડિયા ૨૦૧૯ના કાર્યક્રમ માટે ૧૦૦ જેટલા એરક્રાફ્ટ પાર્ક કરવામાં આવ્યા હતા. સિનિયર પોલીસ અધિકારી એમએન રેડ્ડીએ જણાવ્યું કે, સૂકી ઘાસ અને પવનોને કારણે આગ ઝડપથી ફેલાઇ હતી. મેદાનમાં પાર્ક કરાયેલા કારો સહિતના સેંકડો વાહનો આગની ઝપટમાં આવી ગયા હતા. તેમણે કહ્યું કે,આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને તેના કારણે કોઇ જાનહાનિ કે કોઇને ઇજા નથી થઇ. વરિષ્ઠ પોલીસ અધિકારી રેડ્ડીએ ટિ્‌વટ કરી કહ્યું હતું કે, એરો શો માટે ખુલ્લા મેદાનમાં પાર્ક કરાયેલા વાહનોમાં આગ લાગી હતી. આશરે ૨૦ જેટલી કારો બળી ગઇ છે. મુખ્ય ફાયર અધિકારી દ્વારા આગ પર નિયંત્રણ પર દેખરેખ રખાઇ રહી છે અને ફાયરબ્રિગેડની ૧૦ ગાડીઓ ઘટનાસ્થળે હાજર હતી. આગ લાગવાની ઘટનાને કારણે થોડા સમય માટે એર શો મોકૂફ રાખવામાં આવ્યો છે અને જ્યાં સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી ના લેવાય ત્યાં સુધી એરબેઝ પરથી કોઇ પ્લેનને ઉડવા દેવાશે નહીં. આ ઘટના એક અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી જેમાં આજ એરબેઝ પર હવામાં એરફોર્સના બે સૂર્યકિરણ વિમાનો એકબીજા સાથે અથડાઇ ગયા હતા અને નાશ પામ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણમાંથી એક પાયલટનું મોત થયું હતું. પાંચ દિવસનો એર શો બુધવારે શરૂ થયો હતો અને રવિવારે સમાપન થવાનું હતું.