(એજન્સી) તા.૨પ
લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ પર વિજય મેળવવા માટે ભાજપે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. સૂત્રો મુજબ ચૂંટણી પહેલા પાર્ટી રાજ્યભરમાં લગભગ ૩૧૦ રેલીઓ કરવા અંગે વિચારી રહી છે. કેમ કે બંગાળ હાલમાં ભાજપની પ્રાથમિકતામાં ટોચે છે. પાર્ટી તેની સાથે રાજ્યની કુલ ૪૨ લોકસભા સીટોમાંથી ૨૨ સીટો પર મીટ માંડી બેઠી છે. તેનું કારણ વર્તમાન સમયમાં બંગાળમાં પાર્ટી પાસે ફક્ત બે જ સીટ છે. એવામાં પાર્ટી આ ચૂંટણીમાં સીટોની સંખ્યામાં સુધારો કરવા ભરપૂર પ્રયાસ કરશે. રાજ્યમાં ભાજપનો સીધો મુકાબલો મુખ્યમંત્રી મમતા બેનરજીના નેતૃત્વ હેઠળની ટીએમસી સરકાર સાથે છે. તાજેતરમાં આ બંને પક્ષો વચ્ચે ભાજપની રથયાત્રાને લઈને મતભેદ જોવા મળ્યો હતો. ભાજપે મમતા સરકાર પર બંગાળ રથયાત્રા ન કાઢવા દેવાનો આરોપ મૂક્યો હતો. ભાજપ અધ્યક્ષ અમિત શાહે માલદાથી પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆત કરતાં સરકાર પર જોરદાર નિશાન તાક્યું હતું. કહ્યું કે જો રથયાત્રા નીકળી હોત તો મમતા સરકારની અંતિમ યાત્રા નીકળી જાત. શાહે કહ્યું હતું કે મમતાએ ડરને કારણે રથયાત્રા માટે અમને મંજૂરી નહોતી. તે સમજી ગયા કે જો અમે રથયાત્રા કાઢતાં તો તેમની સરકારની અંતિમયાત્રા નીકળી જાત. તમે અમને રથયાત્રા કાઢતા રોકશો તો અમે રેલીઓ કાઢીશું. બેઠકો યોજીશું. તમે અમને બંગાળમાં આવતા અટકાવી નહીં શકો. તમે જેટલા અટકાવશો અને અમારા કાર્યકરો સાથે મારપીટ કરશો એટલું જ કમળ વધારે ખીલશે. વિપક્ષી દળોને મોદી સરકારના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર વિરુદ્ધ એકમંચ પર લાવવા અંગે તેમણે મમતાની ટીકા કરી હતી. શાહે કહ્યું કે આ મતલબ માટે કરાયેલું ગઠબંધન છે. દરમિયાન મોદીનું કોલકાતા બ્રિગેડ પરેડ મેદાનમાં આઠ ફેબ્રુઆરીએ યોજાનાર કાર્યક્રમ પાર્ટીએ રદ કર્યો હતો.