(સંવાદદાતા દ્વારા) લુણાવાડા, તા.૩૧
લુણાવાડામાં ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓ રડ્યા. ગુજરાત રાજ્યમાં સૌથી ઓછું પરિણામ લૂણાવાડાનું આવતા તગડી ફી વસુલતી અનેક શાળાઓની શિક્ષણની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉઠ્યા છે. ત્યારે ગુણવત્તાની એકમાત્ર મુસ્લિમ હાજી જી.યુ.પટેલ હાઈસ્કૂલનું પરિણામ ૭૯ % આવતા મુસ્લિમ અગ્રણીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.
મહીસાગર જિલ્લાનું પરિણામ ૩ર.૬૯ ટકા આવ્યું જ્યારે જિલ્લાના મુખયમથક લુણાવાડાનું પરિણામ માત્ર ૧૧.૭૪ ટકા આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ગમગીન અને ઉદાસીન જોવા મળ્યા હતા. સૌથી ઓછા પરિણામની સામે લુણાવાડાની હાજી જી.યુ. પટેલ હાઈસ્કૂલનું પરિણામ ૭૯ ટકા આવ્યું. ધો.૧ર આટ્‌ર્સમાં મુઠિયા જેનબ મ.સલીમ ૯૯.૪૭ પીઆર, ગુલાટી ફજીલા બુરહાન ૯૯.૪૩ પીઆર અને ગોધરાવાલા સફા હનીફ ૯૯.૧૩ પીઆર સાથે પ્રથમ દ્વિતીય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કરી છોકરીઓએ બાજી મારી હતી જ્યારે ધો.૧ર કોમર્સમાં શેખ ફહદ ઈકબાલ ૯૯.૩પ પીઆર, પટેલ મોહમ્મદ અબ્દુલ્લાહ ૯૬.૬૩ પીઆર અને ગુલાટી મો.હસન મકસુદ ૯૪.૩ર પીઆર સાથે પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કરી છોકરાઓએ બાજી મારી હતી.
લુણાવાડા મુસ્લિમ સમાજનું નામ રોશન કરનાર અને બોર્ડમાં ઝળહળતી સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારે અને સમગ્ર મુસ્લિમ સમાજે શુભેચ્છાઓ પાઠવી હતી અને ઉજવળ ભવિષ્ય માટે દુવાઓ આપી.