(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૯
સુરત જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલે ચાલું નાણાકીય વર્ષમાં ગણોતધારાની કલમ-૪૩ હેઠળ પાંચ માસમાં ૩૩૭ જેટલા કેસોનો નિકાલ કર્યો હોવાનું જાણવા મળે છે.
સુરત જિલ્લા કલેક્ટરે એપ્રિલ ૨૦૧૮થી વિધીવત રીતે ચાર્જ સંભાળ્યા બાદ મહેસુલ વિભાગના ઘણા ખાતાઓમાં ચાલતા કામોના નિકાલ માટે ડો.ધવલ પટેલ અગ્રેસર રહ્યાં છે. તાજેતરમાં જ ઓગષ્ટ મહિનામાં કલેક્ટર ડો.ધવલ પટેલ દ્વારા એસવીએનઆઇટીની સામે આવેલ કરોડોની સરકારી જમીન ઉપર કબજો જમાવી બેઠેલા કબજેદારને કબજો ખાલી કરાવી સરકારને કરોડો રૂપિયાનો નુકશાન થતું બચાવ્યું હતું. ચાલું નાણાકીય વર્ષમાં એપ્રિલ મહિનામાં ૪૮ કેસો આવ્યા હતા જેની સામે અગાઉના કેસોને ધ્યાનમાં રાખી પ૧ જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યા હતા. મે મહિનામાં ૪૦ કેસોની સામે ૧૧૭ જેટલા કેસોનો નિકાલ, જુન મહિનામાં ર૬ કેસોની સામે ૪૦ કેસોનો નિકાલ, જુલાઇ મહિનામાં ર૩ કેસોની સામે ૬૩ જેટલા કેસોનો નિકાલ, ઓગષ્ટ મહિનામાં ૪૯ કેસોની સામે ૬૬ જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યા છે. ઓગષ્ટ મહિનામાં ર૦૬ બાકી કેસોમાં ૬૩ જેટલા કેસો સૈધ્ધાંતીક મંજૂર કરેલ છે અને ૩પ દરખાસ્તો સરકારમાં સાદર કરેલ હોવાનું જાણવા મળે છે. એપ્રિલથી ઓગષ્ટ સુધીના પાંચ માસમાં સૌથી વધારે ઓગષ્ટ મહિનામાં ગણોતધારાની કલમ ૪૩ હેઠળ પ્રીમીયમના કેસો નોંધાયા હતા. જેની સામે મે મહિનામાં ૧૧૭ જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યા હતા.
ચાલું નાણાકીય વર્ષમાં ગણોતધારાની કલમ ૪૩ હેઠળ પ્રિમીયમના કેસોની પાંચ માસમાં ટકાવારી ૧૮૧.૧૮ ટકા સુધી પહોંચી ગઇ છે. ૯૦ દિવસના સમયગાળા દરમિયાન કેસોનો નિકાલ માટે કલેક્ટર ડો.ધવલ પટેલ અગ્રેસર રહેતા અરજદારોમાં ખુશી વ્યાપી જવા પામી છે.