ભાવનગર, તા.૭
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભુંગર ગામના તળાવમાંથી જુદી જુદી પિસ્તોલમાં વપરાતા ૩૩૮ જેટલા જીવતા કારતૂસ મળી આવતા આ વિસ્તારમાં ભારે ચકચાર અને ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવની જાણ થતાં દાઠા પોલીસ અને ભાવનગર જિલ્લા પોલીસવડા તેમજ વિભાગીય પોલીસવડા સહિતના મસમોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક હેઠળના ભુંગર ગામના તળાવમાંથી કેટલાક જીવતા કારતૂસ મળી આવતા અને દાઠા પોલીસને જાણ થતાં પી.એસ.આઈ. મકવાણા સહિતનો કાફલો ભુંગર ગામે દોડી ગયો હતો અને મોડીરાત સુધીની તપાસમાં આ તળાવમાંથી ૩૩૮ જેટલા જીવતા કારતૂસો મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા અને વિભાગીય પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મળી આવેલા કારતૂસો પૈકી કેટલાક ભારતીય લશ્કર દળમાં પણ ઉપયોગમાં આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મળી આવેલ કારતૂસના પગલે તળાજા પંથકમાં ભારે ચકચાર મચી છે. એટલી મોટી સંખ્યામાં કારતૂસનો જથ્થો કોળ અહિંયા મૂકી ગયુ, કોના કારતૂસો છે, કયાં ઉપયોગમાં લેવાના હતા, તે બાબતે પોલીસે તપાસનો દોર શરૂ કરી દીધો છે.