(સંવાદદાતા દ્વારા) ઉના, તા.ર૭
સૈારાષ્ટ્રના દરિયાઇ સીમાડામાં રોજીરોટી મેળવવા બોટમાં જતાં ઉના તાલુકાના સેંકડો માછીમારો ફિસીંગ દરમ્યાન દરિયાઇ સીમા હદ બહાર નિકળી જવાના કારણે પાકિસ્તાન નેવી કોસ્ટ ગાર્ડ હાથે ઝડપાઇ જતાં હોય છે. આવા માછીમારોને કરાંચીની લાડી જેલમાં રખાય છે. જેે લાંબા સમય સુધી છુટી ન શક્તા તેમના પરિવારોજનો ચિંતામાં દિવસો પસાર કરતા હોય છે. આવા ૩થી વધુ માછીમારના પરિવારોએ નાયબ કલેક્ટર કચેરીએ ખોળો પાથરી અધિકારીને પોતાના પરિવારના મોભીને છોડાવવા માગણી કરી છે.
ઉના તાલુકાના દેલવાડા, ખાણ, ખજુદ્રા, દાંડી, કાળાપાણ સહીતના ૩૫થી વધુ માછીમારો દોઢથી બે વર્ષ જેવા સમયથી પાકિસ્તાનની જેલમાં કેદ છે. દરિયાઇ સીમા હદના ભંગના ગુન્હામાં પકડાયા બાદ લાંબા સમયથી છુટી આવ્યા ન હોવાના કારણે આ માછીમારોના વતનમાં તેમના નાના બાળકો પત્ની માતા પિતા અને પરિવારના સભ્યો ભારે વેદના સાથે ચિંતાગ્રસ્ત છે. બોટ માલિકો તંત્ર અને ફિસરીઝ વિભાગ સરકારના વિદેશ મંત્રાલય દ્વારા માછીમારોને છોડાવવાની કાર્યવાહીમાં વિલંબ કરાતો હોવાના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. પાક.માં કેદ માછીમારીના સ્વજનોને મુખ્ય કુટુંબના કમાનારને ગુમાવવાનો એહસાસ સતાવે છે. બીજા દેશોના પકડાતા માછીમાર સ્થળ પર વેરીફીકેશન બાદ તુરંત છોઢી મુકાય તેવા નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવે તો વર્ષોથી પકડમ પકડીના ખેલ બંધ થાય તેવી માછીમારોના પરિવારોમાં માગણી ઉઠી રહી છે. બોટના માલિકો તથા પકડાયેલા માછીમારો વહેલી તકે છુટે તેવી પરિવારોની રજૂઆતો અને માગણીઓ પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવી જવાબ પણ ન આપતા આવા માછીમારોના પરિવારોજનો દર દર ભટકી આર્થિક કર્જ કરીને પોતાના સ્વજનોને છોડાવવા દોડા દોડી કરે છે. અને છુટી આવ્યા બાદ બોટ માલિકો અને માછીમાર આગેવાનો જશ લેવા રેલ્વે સ્ટેશનોએ પોતાની વાહ વાહ કરવા દોડી જતાં હોય છે. નાયબ કલેક્ટર એમ.કે.પ્રજાપતિ સમક્ષ ૩૫ પરિવારોની મહિલાઓએ રૂબરૂ મળી આવેદન પત્ર આપી પોતાના પતિ કે પુત્રોને વહેલી તકે છુટે તેવી માગણી કરાતા નાયબ કલેકટરે આશ્વાસન આપ્યું છે.