(એજન્સી) સીમલા, તા.ર૭
વડાપ્રધાન મોદીની રેલીમાં ભાગ લેવા જઈ રહેલા વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી બસ કાંગરા જિલ્લાના જવાલી ધોરીમાર્ગ પર પલ્ટી ખાતાં ૩પ વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ હતી. કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ તેમાં સવાર હતા. હિમાચલ પ્રદેશમાં ભાજપ સરકારના શાસનને એક વર્ષ પૂર્ણ થતા યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેવા વિદ્યાર્થીઓ બસમાં સવારી કરી ધર્મશાળા પોલીસ ગ્રાઉન્ડ ખાતે જઈ રહ્યા હતા જ્યાં વડાપ્રધાન મોદી તેમને સંબોધનાર હતા. ઈજાગ્રસ્ત ૩પ વિદ્યાર્થીઓમાંથી પની સ્થિતિ ગંભીર બતાવાઈ રહી છે. જેમને જિલ્લા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. વિદ્યાર્થીઓ ર૦થી ર૪ વર્ષની વયના છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી ઘાયલો ઝડપી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી છે. બસ ઊંડી ખાઈમાં ખાબકી હતી. જેને ભારે ક્ષતિ થઈ હતી. અકસ્માત સ્થળે આસપાસના લોકોએ વિદ્યાર્થીઓને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યા હતા.