(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૯
આરટીઓ વિભાગે આજથી એક સપ્તાહ સુધી ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં ૬ ટીમોએ આજે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી બિનઅધિકૃત રીતે વિદ્યાર્થીઓનું વહન કરતી ૩૫ જેટલી સ્કુલ વાનોને ડિટેઇન કરી હતી. ગેરકાયદે રીતે શાળાના વિદ્યાર્થીઓને સ્કુલવાનમાં લઇ જવામાં આવે છે. ભૂતકાળમાં સ્કુલવાનને અકસ્માતનાં અનેક બનાવો સામે આવે છે તેમ છતાં આ વાહનો બેફામ રોક ટોક વિના દોડતા હોય છે. વડોદરામાં બિનઅધિકૃત રીતે અને કાયદાઓનું ઉલ્લંઘન કરી વિદ્યાર્થીઓના વહન કરતાં વાહનો સામે આરટીઓ વિભાગે લાલ આંખ કરી છે. આરટીઓની આજથી એક અઠવાડીયા સુધી સ્કુલવાન ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓને લાવવા લઇ જવા માટે ઉપયોગમાં લેવાતા વાહનો પાસે પરમીટ છે કે કેમ, બાળકોનો વિમો ઉતારવામાં આવ્યો છે. તદ્દપરાંત વાહન ચલાવનાર ડ્રાઇવર પાસે જરૂરી દસ્તાવેજો, વાહનમાં કાયદા પ્રમાણે બાળકોને બેસાડ્યા છે કે કેમ તેનું ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરટીઓની ૬ જેટલી ટીમોએ વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યું છે. જેમાં ૩૫ જેટલા વાહનોને ડિટેઇન કર્યા છે. અને દંડાત્મ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.