મોરબી, તા.ર૭
મોરબીના રાજપર કુંતાસી ગામ વચ્ચે પસાર થતી એક નદીના કોઝવેમાં આજે સવારે ૮ વાગ્યે ૩પ વિદ્યાર્થીઓ ભરેલ નિલકંઠ સ્કૂલની બસ ખાબકતાં બસનો ચાલક કોઝવેમાં પડી ગયેલ બસને છોડીને નાસી જતાં બાળકોએ બૂમાબૂમ કરતાં ગ્રામજનોને પોલીસની મદદથી ૩પ વિદ્યાર્થી (બાળકો)નો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં ખુદ મોરબી જિલ્લા કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા હતા. તમામ બાળકોને સલામત સ્થળે ખસેડાયા હતા. જિલ્લા કલેક્ટરે વરસાદના લીધે મોરબીની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી હોવા છતાં સ્કૂલ સંચાલકોએ સ્કૂલ ચાલુ રાખતા કલેક્ટરના આદેશના પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સ્કૂલને નોટિસ ફટકારી છે.
બનાવની વિગત પ્રમાણે મોરબીના પીપળીયા ચારરસ્તા પાસે આવેલ નિલકંઠ વિદ્યાલયના ૩પ વિદ્યાર્થીઓને લઈ બસ આમરણથી રાજપર કુંતાસી રોડ પર જતી હતી. ત્યારે રાજપર કુંતાસી ગામ વચ્ચે પસાર થતી નદી (વોકળા)ના કોઝવેમાં વરસાદના લીધે બે ફૂટથી વધારે પાણી હોવા છતાં બસના ચાલકે બેદરકારી દાખવી બસ પાણી ભરેલ કોઝવેમાં ચલાવતા બસ નદીમાં કોઝવે પર અધ્ધવચ્ચે નમી જતા-બાળકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. બસચાલક બાળકોના બચાવના બદલે બસને છોડી ભાગી જતાં બાળકોની બૂમો સાંભળી કુંતાસીને આજુબાજુના ગામના લોકોને માળિયા પોલીસે જાણ થતાં માળિયા પોલીસના મનહરપરી ગોસ્વામી સહિતના સ્ટાફે ગ્રામજનોની મદદથી ૩પ બાળકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ દોડી આવ્યા હતા. સ્કૂલ સંચાલકને નોટિસ ફટકારવાનો બસચાલક સામે ગુનો નોંધવાનો આદેશ કરતા માળિયા પોલીસના મનહરપરી નરશી પરી ગોસ્વામીએ બસ નં.જી.જે.૩ એ-૯પ૮ના ચાલક લાખાભાઈ રામભાઈ ગોગરા રહે. દેવગઢ સામે માળિયા પોલીસમાં જાણ છતાં બસ ચલાવી વિદ્યાર્થીઓના જીવો જોખમમાં મૂકયાનો ગુનો નોંધ્યો હતો.
પીપળિયા નીલકંઠ વિદ્યાલય સહિત ૭ શાળાઓને નોટિસ

મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે ગતરાત્રિથી આજે વહેલી સવાર સુધી મોરબી જિલ્લામાં વરસાદના લીધે મોરબી જિલ્લાની શાળા-કોલેજોને સવારે પ.૦૦ વાગે મેસેજ મોકલી રજા જાહેર કરી હતી છતાં મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ નીલકંઠ વિદ્યાલય (જેની બસ) (કોઝવેમાં પડી) તે સહિત શહેરની અન્ય ૬ ખાનગી સ્કૂલોએ આજે સ્કૂલો સવારમાં ચાલુ રાખતા જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલના આદેશના પગલે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ નોટિસ ફટકારી છે.