(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
પાસના નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ યથાવત છે. ત્યાંરે શહેરભરમાંથી તેમને સમર્થન કરવામાં આવી રહ્યું છે. જોકે, આ સમર્થન વચ્ચે કેટલાક અસામાજિક તત્વો તેના ગેરલાભ પણ ઉઠાવી રહ્યાં છે. સુરત શહેરના સરથાણા અને મોટા વરાછા વિસ્તારમાં ગતરોજ વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલો અને કોલેજો બંધ કરાવવામાં આવી હતી. જેની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરુ કરી હતી. વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતોના દેવા માફી અને અનામત આંદોલનને લઇ હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. ત્યારે શહેરભરમાંથી દિવસે ને દિવસે તેને વધુ સમર્થન મળી રહ્યું છે. છેલ્લા બે દિવસથી વરાછા, પુણા, સરથાણા અને કાપોદ્રા વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ જોવા મળી રહ્યી છે. ગતરોજ પણ કેટલીક શાળાઓના પાટીદાર વિદ્યાર્થીઓ દ્વારા સરથાણા તથા મોટાવરાછા વિસ્તારમાં હોબાળો મચાવી શાળાઓ બંધ કરાવી દીધી હતી. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ બાઇક લઇ અન્ય શાળા બંધ કરાવવા નીકળી પડ્યાં હતાં. જેથી પોલીસે તાત્કાલિક તમામ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં ગતરોજ વાયરલ થયેલા વિડીયો અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગતરોજ શાળાઓ બંધ કરાવવા નીકળેલા વિદ્યાર્થીઓને પકડવાનો દોર પોલીસે શરૂ કર્યો હતો. ગતરોજ મોડીરાતેથી આજે સવાર સુધીમાં કાપોદ્રા તથા સરથાણા પોલીસે આશાદીપ વિદ્યાલય, એમ. એન. જે. સ્કૂલ તથા અન્ય સ્કૂલોના મળી કુલ ૩૫થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. જોકે, આજે સવારે હીરાબાગ પાસે આવેલા પી. પી. સવાણી સ્કૂલની બહાર કેટલાક વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા અને તેઓએ સ્કૂલ બહાર જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. જેના કારણે પોલીસ કંટ્રોલમાં વર્દી જતા કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામની અટકાયત કરી હતી. વધુમાં અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા આજે કાળા કપડાં પહેરી બ્લેક ડે મનાવી વિરોધ નોંધાવ્યો હોવાનું જાણવા મળે છે.