સેન ફ્રાન્સિસ્કો,તા.૮
મસ્ક ૪૨૦ ડોલર પ્રતિ શેરનાં દર પર રોકાણકારો પાસેથી શેર બાયબેક કરશે. ટેસ્લાનાં સીઇઓ એલન મસ્કે મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે ટિ્‌વટર મારફતે ઘોષણા કરી છે કે, તેઓ કંપનીને વોલ સ્ટ્રીટથી બહાર લાવીને પ્રાઇવેટ બનાવવાનું વિચારી રહ્યા છે અને ૪૨૦ ડોલર(૨૮,૮૮૦ રૂપિયા) પ્રતિ શેરનાં દર પર રોકાણકારો પાસેથી શેર બાયબેક કરશે.
તેમની આ ટ્‌વીટ પછી ટેસ્લાનાં શેરે લાંબી છલાંગ લગાવી હતી અને ૧૧ ટકા વૃદ્ધિ સાથે એક શેરનો ભાવ ૩૭૯.૫૭ ડૉલર થઈ ગયો છે. આને કારણે મસ્કની સંપત્તિમાં રૂ.૯૬ અબજની વૃદ્ધિ થઈ છે. ૪૭ વર્ષીય મસ્ક ટેસ્લાનાં સૌથી મોટા શેર હોલ્ડર છે, અને તે દુનિયાનાં ૩૧માં સૌથી ધનવાન વ્યકિત છે.
મસ્કે કર્મચારીઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે કંપનીને પ્રાઇવેટ બનાવવી એ સૌથી શ્રેષ્ઠ માર્ગ હશે. આને કારણે ટેસ્લાને સારી રીતે ઓપરેટ કરી શકાશે. કંપની શોર્ટ ટર્મ થિંકિંગ અને એક જ દિશામાં કાર્ય કરી શકશે
ટિ્‌વટર પર જ્યારે મસ્કને પૂછવામાં આવ્યું કે શું તે કંપનીનાં સીઇઓ તરીકે કાર્ય કરશે તો તેમણે જણાવ્યું કે કંપનીમાં બીજા કોઇ ફેરફાર થશે નહી.
તેમણે એક બીજી ટ્‌વીટ પર લખ્યું કે આશા છે કે કંપની પ્રાઇવેટ બન્યા બાદ પણ વર્તમાન રોકાણકારો કંપની સાથે જોડાયેલા રહેશે. અને જે ટેસ્લા સાથે રહેવા ઇચ્છે તેમના માટે અમે એક ખાસ ફંડ બનાવીશું. સ્પેસેક્સનાં રોકાણકારો સાથે અમે આવું કરી ચુક્યા છીએ.
નોંધનીય છે કે મસ્ક નુકસાન કરતી અને દેવામાં ડૂબેલી કંપનીને નફાકારક બનાવવાં માટે અત્યંત દબાણમાં છે. આઠ વર્ષનાં ઇતિહાસમાં ટેસ્લા જાહેર કંપનીનાં સ્વરૂપમાં ડૂ ઓર ડાઇ ની સ્થિતીમાં છે. ટેસ્લાને યુરોપીય ઓટો ઉત્પાદક કંપનીઓ સામે મોટાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.