અમદાવાદ,તા.૧૧
અમદાવાદમાં હવે રોજેરોજ છેતરપિંડીના કિસ્સા બની રહ્યા છે ઠગ ટોળકીઓ નાગરિકો સારી કંપનીમાં ઊંચા પગારની નોકરી આપવાની લાલચ આપે છે અને એ બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરે છે. હજુ ગઈકાલે જ ક્રાઈમ બ્રાન્ચે મહિલાને મેક-માયટ્રીપમાં નોકરી આપવાને બહાને ઠગાઈ કરતી ટોળકીને ઝડપી છે. ત્યાં જ આજે ફરી એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નરોડામાં રહેતા એક વ્યક્તિ તથા તેના મિત્રને ભારતની પ્રતિષ્ઠિત ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કંપનીમાં નોકરી આપવાની લાલચ હતી અને એ પેટે ટુકડે ટુકડે રૂપિયા લેવામાં આવ્યા હતા. જો કે બાદમાં આખી વાત ખોટી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પતિ પત્ની સહિતની ત્રિપૂટી સામે ભોગ બનનાર વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર પ્રદીપસિંહ ચંદનસિંહ વાઘેલા નંદનવન ડેપ્લેક્ષ નરોડામાં રહે છે. કેટલાક સમય પહેલા તેમને વાસવાના ધરણીધરમાં આવેલા સારથી ટાવરમાં રહેતા ધર્મેન્દ્રસિંહ કેશવલાલ વાઘેલાએ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ઊંચા પગારે નોકરી આપવાની લાલચ આપી હતી. પ્રદીપસિંહ તથા તેના મિત્ર વર્ધમાનસિંહ હઠીસિંહ મોદીએ આ અંગેની તૈયારી દાખવતા ધર્મેન્દ્રએ તેમની પાસેથી રૂપિયા લીધા હતા. અને ર૦-૪-૧૭ તારીખે બંનેને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના બનાવટી સહી સિક્કાવાળા કોલ લેટર આપ્યા હતા બાદમાં બંનેએ નોકરી પર જવાનું કહેતા તેમને કોઈને કોઈ બહાના બતાવવામાં આવતા હતા. દરમિયાન આ બંને કલ્પેશ પ્રભુદાસ શેઠ તથા કાજલ કલ્પેશ શેઠ (બંને રહે. પાંચમો માળ ગાર્ડન રેસિડેન્સી, બોપલ સંવાદ) નામના દંપતી સાથે મળાવ્યા હતા. ત્રણેયે ભેગા મળીને પ્રદીપ તથા વર્ધમાન પાસેથી રૂપિયા પડાવવાનું ચાલુ રાખતા ૩૭ લાખ રૂપિયા જેટલી માતબર રકમની છેતરપિંડી કરી હતી. જેની પ્રદીપસિંહને જાણ થતાં તેમણે નરોડા પો. મથકમાં આ ત્રણેય ઠગ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.