(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
હરિયાણા હિંસા પર વિપક્ષના રાજીનામાની માગણી ફગાવી દેતા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે તમે માંગતો રહો રાજીનામું, અમે તો જવાબદારી સારી નિભાવી છે. દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરતા ખટ્ટરે કહ્યું કે અમે કોર્ટના આદેશનું પાલન કરીને કાર્યવાહી કરી છે અને અમને અમારા હેતુ સિદ્ધ કરવામાં સફળતા મળી છે. પોતાના રાજીનામાની વિપક્ષોની માગણી પર બોલતાં ખટ્ટરે કહ્યું કે વિપક્ષોની વાત સાથે અમારે કંઈ લેવાદેવા નથી પરંતુ અમને અમારી કાર્યવાહીથી સંતોષ છે જેને જે કહેવું હોય તો કહે અમે તો અમારી જવાબદારી સારી રીતે નિભાવી છે. તેમણે કહ્યું કે અમે જે કંઈ પણ કર્યું તે યોગ્ય છે હવે સમગ્ર હરિયાણામાં શાંતિ છે. અમિત શાહે હરિયાણા હિંસાના મુદ્દે રિપોર્ટ આપવા માટે ખટ્ટરને દિલ્હીમાં બોલાવ્યા હતા. ખટ્ટરે અમિત શાહને રાજ્યની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. આ પહેલા ભડકેલી હિંસાને હાથ ધરવામાં નિષ્ફળતા માટે ચારેતરફથી ટીકાટિપ્પણીનો સામનો કરી રહેલા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પર હવે વડાપ્રધાન કચેરી તરફથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
મનોહરલાલ ખટ્ટરની કામગીરી ઉપર વડાપ્રધાન કચેરીની બાજ નજર છે. તેમના દરેક પગલાં ઉપર નજર રાખવામાં આવી રહી છે. મામલાની જાણકારી ધરાવનાર લોકો તરફથી આ મુજબની વાત કરવામાં આવી છે. ખટ્ટરને મુખ્યમંત્રી પદેથી દૂર ન કરવા પાછળ કેન્દ્ર સરકાર તરફથી કેટલીક દલીલો આપવામાં આવી રહી છે. બદલાવ કરવાની સ્થિતિમાં વહીવટીતંત્ર વધારે અસ્થિર થઇ શકે છે. અલબત્ત અધિકારીઓએ કહ્યું છે કે, ખટ્ટરના પ્રદર્શન પર નજર રાખવામાં આવી રહી છે. હિંસા પર ઉતરેલા લોકોને હાથ ધરવાના મુદ્દા ઉપર પીએમઓ સાથે વાતચીત દરમિયાન ખટ્ટરની વાતો દમદાર દેખાઈ ન હતી. ઉલ્લેખનીય છે કે ખટ્ટર સરકાર માટે આ ત્રીજો મોટો ફટકો છે. પહેલાં રામપાલની ધરપકડ ત્યાર બાદ જાટ અનામત આંદોલન અને હવે ડેરા હિંસા એમ ત્રણ મુદ્દે ખટ્ટર સરકારે નિષ્ફળતા છતી થઈ હતી.