પેરિસ,તા. ૧
પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાઇ રહેલી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ક્રોએશિયાના મારિન સિલિકે પોતાની વિજયકુચ જારી રાખીને ત્રીજા રાઉન્ડમાં કુચ કરી લીધી છે. વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમમાં કેટલાક સ્ટાર ખેલાડી પુરૂષો અને મહિલાઓના વર્ગમા હારી ગયા બાદ પણ રોમાંચ અકબંધ છે. સ્પેનની ગરબાઇન મુગુરૂજા પણ મહિલાઓના સિગલ્સ વર્ગમાં પોતાની હરિફ ખેલાડીને હાર આપીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી ગઇ છે. સિલિકે પોલેન્ડના હુર્કાજો પર બે કલાક અને ૫૦ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૬-૨, ૬-૨, ૬-૭ અને ૭-૫થી જીત મેળવી હતી. હવે ત્રીજા રાઉન્ડમાં સિલિકની ટક્કર અમેરિકાના સ્ટીવ જોન્સન સામે થશે. જોન્સને અન્ય એક મેચમાં જર્મનીના સ્ટ્ર્‌ર્ફ પર ૪-૬, ૭-૬, ૬-૨ અને ૬-૨થી હાર આપી હતી. ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં જેલેના ઓસ્તાપેન્કો વિજેતા બની હતી. આ વખતે ઇનામી રકમ ૩૯૧૯૭૦૦૦ રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ ૨૦૧૭માં રમી હતી અને આ વખતે પણ તે આશાવાદી દેખાઈ રહી છે. આ ઉપરાંત યુવા આશાસ્પદ ખેલાડી સીમોના હેલેપ પણ મેદાનમાં ઉતરી છે. અને તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા કરવામાં આવી રહી છે. સીમોના ૨૦૧૪માં પેરિસમાં રનર્સઅપ રહી હતી. આ વખતે સેરેના વિલિયમ્સ લાંબા સમય બાદ મેદાનમાં પરત ફરી છે. નડાલ સામે જે ખેલાડીઓ પડકાર ફેંકી શકે છે તેમાં ડોમેનિક થીમ, જર્મન સ્ટાર ઝ્‌વેરેવનો સમાવેશ થાય છે. પૂર્વ વિજેતા જોકોવિક પણ મેદાનમાં છે જે આ વખતે ૨૨માં ક્રમાંકિત ખેલાડી તરીકે છે. ડ્રો ખુબ જ રોમાંચક રહ્યા બાદ ઉત્સુકતા વધી ગઈ છે. બે વખતની વિજેતા અને ગ્લેમર ગર્લ શારાપોવા, અજારેન્કા પણ આશાવાદી દેખાઈ રહી છે. ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં તમામ સ્ટાર ખેલાડી હાલમાં મેદાનમાં છે. સ્પેનની મુગુરુઝાએ ગઇકાલે તેના પ્રથમ રાઉન્ડની મેચ સરળતાથી જીતી લીધી હતી. ૩૬ વર્ષીય સેરેના વિલિયમ પાસેથી આ વખતે પણ જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સેરેના મહાન ખેલાડી પૈકીની એક તરીકે છે.તમામની નજર રાફેલ નડાલ અને ઘણા સમય પછી ટેનિસ સર્કિટમાં પરત ફરેલી સરેના વિલિયમ્સ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. ૧૦ વખત ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની ચુકેલા રાફેલ નડાલને ક્લેકોર્ટના કિંગ તરીકે ગણવામાં આવે છે. વર્ષ ૨૦૧૪ અને વર્ષ ૨૦૧૭માં રનર્સ અપ રહી ચુકેલી હાલેપે ટુર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડની મેચ સરળતાથી જીતી લીધી હતી. રિસ્કે પર પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ૨-૬, ૬-૧ અને ૬-૧થી જીત મેળવી હતી. આ મેચ એક કલાક અને ૩૪ મિનિટ સુધી ચાલી હતી. યુક્રેનની સ્વીટોલિનાએ પણ પોતાની મેચ જીતી લીધી હતી. ચોથી ક્રમાકિત ખેલાડી સ્વીટોલિનાએ બીજા રાઉન્ડની મેચમાં વિક્ટોરિયા કુજમોવા પર ૬-૩, ૬-૪થી જીત મેળવી હતી. આ મેચ એક કલાક અને ૨૧ મિનિટ સુધી ચાલી હતી. વિમ્બલ્ડન ચેમ્પિયન ચેક ગણરાજ્યની પેટ્રા ક્વિટોવાએ ત્રીજા રાઉન્ડમાં આગેકુચ કરી હતી. ફ્રેન્ચ ઓપનમાં આ વખતે જોકોવિકની વધારે ચર્ચા નથી પરંતુ તે મોટા અપસેટ સર્જી શકે છે.