(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
શહેરના કતારગામ પોલસ મથકથી માત્ર ૭૦૦ મીટર દૂર ગત રાત્રે એક બાઇક પર આવેલા ચાર અજાણ્યા ઇસમો એક યુવાનને ઢોર માર મારી ચપ્પુના ઘા મારી લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.
સરથાણાના સીમાડા ગામમાં રામદેવનગર સોસાયટીમાં રહેતા સંજયભાઇ પોપતભાઇ ભોઘરા અને તેનો મિત્ર કેશવભાઇ ગતરોજ રાત્રે કતારગામ પિપલ્સ ચાર રસ્તા પાસે હનુમાનજી મંદીર પાસે આવેલ ગરૂકૃપા પાનના ગલ્લાની પાસેથી જીજે-૧૫-ઇઇ-૬૮૩૨ નંબરની બાઇક પર પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક નંબર પ્લેટ વગરની સ્પેલેન્ડર બાઇક પર આવેલા ચાર અજાણ્યા ઇસમોએ પાછળથી આવી તેની બાઇક સાથે અઠડાવી બોલાચાલી કરી હતી. બાદમાં ચારેય ઇસમોએ સંજયભાઇને ગડદાપાટુનો ઢોર માર મારી કેશવભાઇને પેટના ભાગે ચપ્પુના ઘા મારી ૧૦૦૦ રૂપિયા રોકડા અને ૪૦૦૦નો મોબાઇલ મળી કુલ ૫૦૦૦ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે સંજયભાઇએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય ઇસમો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ આદરી છે.