(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૬
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં એક મહિલાએ રવિવારે રાત્રે પપ મિનિટમાં ચાર બાળકોને જન્મ આપ્યો હતો. પાંચ લાખ મહિલાઓમાં માત્ર એક મહિલા એક સાથે ચાર બાળકોને જન્મ આપે છે. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલી મોટી વ્હોરવાડમાં રહેતા રૂકસારબાનુ ગુફરાન માગદખાને (ર૩) પેટમાં દુખાવો થતાં પરિવારજનો તુરંત જ સયાજી હોસ્પિટલ સ્થિત રૂકમણી ચૈનાની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોની ટીમની મદદથી રૂકસારબાનુએ પપ મિનિટમાં ચાર બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં રાત્રે ૧ કલાકે પ્રથમ પુત્રીને જન્મ આપ્યો હતો, તે બાદ ૧.૩૮ કલાકે બીજો પુત્ર, ૧.૩૯ કલાકે ત્રીજો પુત્ર અને ૧.પપ કલાકે ચોથા પુત્રને જન્મ આપ્યો હતો. પીડિયાટ્રીક વિભાગના પ્રોફેસર ડૉ.શિલાબહેન ઐયરે જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે એક મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો છે. જેમાં બાળકીનું વજન ૧ કિ.ગ્રા., બે બાળકોનું ૧.ર૦૦ કિ.ગ્રા. અને અન્ય એક બાળકનું વજન ૧.૧૦૦ કિ.ગ્રા. વજન છે. ચાર બાળકોને જન્મ આપનાર માતાની તબિયત સારી છે. નવજાત ચાર બાળકોને એનઆઈસીયુમાં રાખવામાં આવ્યા છે. પાંચ લાખ મહિલાઓમાં એક મહિલા એક સાથે ચાર બાળકોને જન્મ આપવાનો દર છે. વડોદરાનો આ પ્રથમ કિસ્સો હોવાનું કહેવું મુશ્કેલ છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રથમ કિસ્સો છે, તે વાત ચોક્કસ છે.