(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૫
મોબાઇલ ચાર્જિંગની નકલી પાવર બેંકનું ઓનલાઇન ગ્રાહકોને વેચતા ઉત્તરપ્રદેશના ચાર ભેજાબાજોને વડોદરા એસઓજી પોલીસે ઝડપી પાડયા હતા. આ ચારેય ભેજાબાજોએ ૧૦૦ થી વધુ લોકોને છેતર્યા હોવાની કબુલાત કરી હતી.
મળતી વિગતો અનુસાર વડોદરા એસઓજી પોલીસને ઓનલાઇન જાણીતી મોબાઇલ કંપનીનાં નકલી પાવર બેન્કનું વેચાણ કરતાં કેટલાક શખ્સો પાવર બેન્કમાં માટી ભરી વજન બતાવી વેચી લોકો સાથે છેતરપિંડી કરતાં હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી. દરમ્યાન એસઓજી પોલીસને માહિતી મળી હતી કે, જેતલપુર વિસ્તારનાં મિતલ ગેસ્ટ હાઉસ પાસે આવેલ સબર મંઝીલમાં રહેતા શખ્સો આ નકલી પાવર બેન્ક ઓનલાઇન વેચી ઠગાઇ કરી રહ્યાં છે. માહિતીનાં આધારે પોલીસે સબર મંઝીલ ખાતે દરોડો પાડી નકલી પાવર બેન્કનું વેચાણ કરતાં સાદાબ જમીલએહમદ મલીક , મહંમદ સદ્દામ મલીક, (બંને રહે.સરસબા ગામ, તા.યુ.પી.), મહંમદ અરશદ અલીશેર મલીક (રહે. ધતોલી, યુ.પી.), મહંમદ આકીલ નાઝીરહસન મલીક (રહે. ખતાખેડી, યુ.પી.) ને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૨૦૪ નંગ નકલી પાવર બેન્ક કબજે લઇ તમામનાં રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.