(એજન્સી)                                                       તા.ર૬

ઈઝરાયેલી પોલીસે શુક્રવારે ૧૯ વર્ષીય પેલેસ્ટીની યુવકને ચપ્પાના ઘા ઝીંકવા બદલ ચાર ઈઝરાયેલી યુવકોની ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી છે. ઈઝરાયેલી પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે હુમલાખોરો ગુનાહિત ઈરાદા ધરાવતા હતા.

લુબા અલ-સામરીએ નિવેદનમાં જણાવ્યું કે ઉત્તરી નાહારીયામાં તેના ઘર પાસે જ જાહેર માર્ગ પર અરબી યુવકને ચપ્પાના ઘા ઝીંકયા હતા. પોલીસે હુમલા પાછળ ચાર યહુદી યુવકો પર શંકા વ્યક્ત કરી હતી. આ હુમલામાં સંડોવાયેલા ત્રણ યહુદી યુવકોની ઉંમર ૨૦થી ૪૫ની વચ્ચેની જ્યારે એક યુવક તરૂણ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તમામ આરોપીઓને પૂછપરછ માટે લઈ ગઈ હતી.

અલ-સામરીએ જણાવ્યંુ કે હુમલાનો ભોગ બનેલા અરબી યુવકને સારવાર માટે તાત્કાલીક પાસેના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. અરબી યુવકની ઓળખ થઈ શકી નથી. ઈઝરાયેલી પોલીસ ચારેય આરોપીઓના રિમાન્ડ લંબાવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઈઝરાયેલ અને પેલેસ્ટીની વચ્ચે સંસ્કૃતિક અને ધાર્મિક મતભેદ હોવાથી ઈઝરાયેલમાં કેટલાક કટ્ટરવાદી સંગઠન અને વ્યક્તિઓ આ પ્રકારના હુમલા કરે છે. ઈઝરાયેલમાં પેલેસ્ટીની લોકો પર હુમલાની સંખ્યામાં વધારો નોંધાયો છે.