(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
શહેરના હીરાબાગ પાસેના જાગૃતિ ટાઇલ્સ પાસે પાર્ક બિલ્ડરની કારનો કાચ તોડી તસ્કરો અંદરથી રૂા. ચાર લાખની રોકડની ચોરી કરી નાસી છૂટ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના મોટા વરાછા વિસ્તારની દ્વારકેશ નગરીમાં રહેતા ચંદુભાઈ જીણાભાઈ બરવાળિયા બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. જેમણે પોતાની કાર હીરાબાગની જાગૃતિ ટાઈલ્સ પાસે પાર્ક કરી હતી. ત્યારે કોઈ અજાણયા વ્યકિતએ કારની ડ્રાઈવિંગ સાઈડનો કાચ તોડી અંદરથી એક થેલી ચોરી કરી ગયો હતો. આ થેલીમાં રોકડા રૂપિયા ચાર લાખ અને ચેક બુક હતી. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે તસ્કરને ઝડપી પાડવા માટે સમગ્ર વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું પણ જાણવા મળે છે.