(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૮
શહેરના નવસારી બજારની નમકવાલીની ગલી ખાતે રહેતા શેખ પરિવારની કારને મહારાષ્ટ્રના ધુલીયા નજીક અકસ્માત સર્જાતા પતિ – પત્નિ અને બે પુત્રીઓ સહિત ચારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા નવસારી બજાર વિસ્તારમાં થતાં શોકની કાલીમાં ફેરવાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નવસારી બજાર વિસ્તારની નમકવાલાની ગલીમાં આવેલા આલીમશા બાવાના ટેકરા પાસે રહેતો શેખ પરિવાર નવપરિણીતાનો ખોળો ભરવા માટે ગતરાત્રે બે વાગે સુરતથી બ્રેઝા અને ટવેરા કારમાં મહારાષ્ટ્રના જલગાવ નજીક નસીરાબાદ ખાતે જવા રવાના થયા હતા. આજે સવારે ૮ વાગ્યાની સુમારે ધુલિયાથી પારોળા રોડ ઉપર ૫ કિલોમીટર દૂર બ્રેઝા કારને ટ્રેલર ચાલકે અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં બ્રેઝા કારમાં સવાર એકજ પરિવારના ચાર સભ્યોના કરૂણ મોત નીપજ્યા હતા. શેખ મુઝફ્‌ફર સમશુદ્દીન (ઉ.વ.૩૪), ફરઝાના મુજફ્‌ફર શેખ (ઉ.વ.૨૮), અસ્લેન મુજફ્‌ફર શેખ (ઉ.વ.૫) અને ઉમેશ મુજફ્‌ફર શેખ (ઉ.વ.૩)નું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બ્રેઝા કારનો ચાલક જાવેદ મિર્ઝાને માથામાં ગંભીર ઈજા થતા બેભાન હાલતમાં છે જ્યારે આ કારમાં સવાર મુજફ્‌ફર શેખના મિત્રની પુત્રી શહેનાઝ અફજલ શેખનો આબાદ બચાવ થયો છે. શહેનાઝ મોટી બહેનનો ખોળો ભરવા માટે આ પરિવાર જઈ રહ્યો હતો. સાથેની ટવેરા કારમાં સવાર લોકોએ તાત્કાલિક પોલીસ અને સંબંધીઓને જાણ કરી હતી. અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો છે. સુરતથી સંબંધીઓ ધુલિયા રવાના થયા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતકોને સુરત નવસારી બજાર નમકવાલી ગલી ખાતે લાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.