મુંબઈ,તા.ર૪
સીબીઆઈએ આજે આઈસીઆઈસીઆઈ બેન્કની પૂર્વ સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચર સાથે જોડાયેલ લોન કેસ સંદર્ભે એફઆઈઆર દાખલ કરી છે. એ સાથે સીબીઆઈએ મુંબઈ અને ઔરંગાબાદ ખાતે આવેલ વીડિયોકોનના વડા મથકોની સાથે અન્ય ચાર જુદા જુદા સ્થળોએ દરોડાઓ પાડયા હતા. સીબીઆઈને આશા છે કે દરોડાઓમાં અમુક મહત્વપૂર્ણ પુરાવાઓ મળી શકશે. આ દરોડાઓ વીડિયોકોન ગ્રુપને ર૦૧રના વર્ષમાં આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા અપાયેલ ૩રપ૦ કરોડ રૂપિયાની લોન સંદર્ભે પડાયા હતા. આ પહેલા ચંદા કોચરે ૪થી ઓકટોબરે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામુ આપ્યું હતું. બેંકના બોર્ડે ચંદા કોચરની રાજીનામું આપવાની વાત સ્વીકારતા એમના સ્થાને સંદીપ બક્ષીની સીઈઓ તરીકે નિમણૂક કરી હતી. ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક આઈસીઆઈસીઆઈની સીઈઓ અને એમ.ડી. ચંદા કોચર ઉપર કથિત નાણાકીય લેવડદેવડમાં ભ્રષ્ટાચાર અને હિતોના સંઘર્ષના ગંભીર આક્ષેપો છે. એમની ઉપર આક્ષેપો છે કે એમણે વીડિયોકોન ગ્રુપને જે તે સમય ૩રપ૦ કરોડ રૂપિયાની લોનો અપાવી હતી. જે તે સમયે વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતના ચંદા કોચરના પતિ દીપક કોચર સાથે વેપારિક સંબંધો હતા. ચંદા કોચરે એમને લોન અપાવતા એમણે ચંદા કોચરના પતિ દીપક કોચરની કંપની ન્યુપાવર રિન્યુએબલ્સમાં રોકાણો કર્યા હતા. સીબીઆઈ તપાસ કરી રહી છે કે વીડિયોકોનને અપાયેલ લોનના બદલે કોઈ આર્થિક વહેવારો થયા હતા કે કેમ. એજન્સી બધા દસ્તાવેજોનું અભ્યાસ કરી રહી છે. જો કોઈ પુરાવાઓ મળશે તો એ ચંદા કોચર અને દીપક કોચરની પૂછપરછ પણ કરી શકે છે. સીબીઆઈએ ૩રપ૦ કરોડ લોન મંજૂર કરનાર નોડલ અધિકારીઓની પણ પૂછપરછ કરી છે. આક્ષેપો છે કે આ મામલે વીડિયોકોન ગ્રુપ અને કોચર પરિવારે એક બીજાને આર્થિક લાભ અપાવ્યો હતો. આ કેસની તપાસ સુપ્રીમકોર્ટના પૂર્વ જજ બી.એન. કૃષ્ણા કરશે.