(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા બડા પીર દરગાહ પર રહેતા ૪૦ પરિવાર પર પીવાના પાણી મુદ્દે હુમલો કરવામાં આવ્યો હતો. મોડિરાત્રે પરિવાર પર હુમલો કરવામાં આવતાં લગભગ ૩ વાગ્યા આસપાસ તમામ ૧૫૦ સભ્યોને ઓલપાડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતાં. અસામાજિક તત્વો દ્વારા હુમલો કરીને દરગાહની જગ્યા ખાલી કરી જતા રહેવાની ધમકી આપવામાં આવી હોવાનું પીડિતોએ જણાવ્યું હતું.હાલ પોલીસે સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દરગાહની જગ્યા પચાવી પાડવાના ઈરાદે થયેલા હુમલા અગાઉ પંચાયતના આરઓ પ્લાનનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. આ અંગે રજૂતા કરવા જતા માર મારવાની ચારેક દિવસ અગાઉ ધમકી મળી હતી. રાત્રે હુમલો કરનારા તમામ દારૂના નશામાં હતા પથ્થરો ફેંકતા પોલીસને જાણ કરાતાં અધિકારીઓ દોડી આવ્યાં હતાં. તમામ પરિવારના સભ્યોને ઘરમાં બંધ કરી હુમલાખોરોથી બચાવાયા હતાં. આ હુમલામાં પરિવારના સભ્યોની સાથે પોલીસના બે જવાન પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું પીડિતોએ જણાવ્યું હતું. બાદમાં પોલીસ તમામને પોલીસ સ્ટેશન લઈ ગયા હતાં. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.દોઢ વર્ષ અગાઉ પણ હુમલો થયેલો અને સમગ્ર મુદ્દો પાણીનો નહીં પરંતુ જમીન ખાલી કરાવવાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.