(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૮
ખેડૂતોના હિતની વારે ઘડીએ વાતો કરતી ભાજપ સરકારને ખેડૂતોની ખરેખર કેટલી ચિંતા છે તે તો ખરી હકીકત સામે આવતા જ માલૂમ પડે છે જેમાં કેટલીક વાર તો મુદ સરકાર દ્વારા આમાની વિગતો પરથી જ ખરી સ્થિતિ જાહેર થઈ જતી હોય છે. રાજ્યમાં ખેતી વગેરેના હેતુસર ટ્રેકટર માટે સહાય લેવા ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ અરજીઓ કરાતી હોય છે જેમાં મોટાભાગે અરજીઓ પડતર રહેતી હોવાની ફરિયાદો વચ્ચે ખુદ સરકારના જવાબમાં ૪૦ ટકા જેટલી ટ્રેકટર સહાયની અરજીઓ પડતર છે. રાજ્યમાં સવા લાખ જેટલી અરજી સામે હજારો ખેડૂતોને જ ટ્રેકટર સહાય ચૂકવાઈ હોવાનું ખુદ સરકાર તરફથી જણાવાયું છે.
સરકારના કૃષિ મંત્રીએ ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં આપેલી વિગતો પરથી જ સ્પષ્ટ થાય છે કે, ખેડૂતો દ્વારા ખેતી સહિતના હેતુસર ટ્રેકટર માટે સહાયની અરજી કરીને લાંબી રાહ જોવી પડતી હોય છે અને સરકાર ખેડૂતોના હિતની મોટી-મોટી વાતો જ કરે છે તેમના પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરતી નથી. રાજ્યભરમાંથી ટ્રેકટર સહાય માટે ૧.ર૪ લાખ અરજીઓ ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવી હતી. જે પૈકી ૪પ,૪૩૮ ખેડૂતોને જ ટ્રેકટર સહાય ચૂકવવામાં આવી હતી એટલું જ નહીં ૩૭ હજાર અરજીઓ તો યોગ્ય કરી મંજૂર થયેલ હોવા છતાં તેમાં ટ્રેકટર સહાય ચૂકવવામાં આવી નથી. રાજ્યમાં સૌથી વધુ ટ્રેકટર સહાય માટેની ૧૪,૪૬૭ અરજીઓ આદિવાસી બહુમતવાળા સાબરકાંઠા જિલ્લામાં આવી હતી. તે પછીના ક્રમે બનાસકાંઠા જિલ્લામાં ૯૩૭૦ અરજીઓ તથા તૃતિય ક્રમે જૂનાગઢમાં ૮૦૬પ અરજીઓ આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં ૬પ૭૭ જેટલી મોટી સંખ્યામાં અરજી આવવા છતાં તેની સામે માત્ર ૩૮૭ ખેડૂતોને જ ટ્રેકટર સહાય ચૂકવવામાં આવી હોવાનું સરકારના મંત્રીએ જવાબમાં જણાવ્યું છે.