(એજન્સી) શ્રીનગર, તા. ૧૪
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરૂવારે સાંજે ફિદાઇન આતંકવાદી હુમલો થતા ૪૨ જવાન શહીદ થયા છે. આતંકવાદી હુમલામાં ૪૫થી વધુ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલાની ગંભીરતાને જોતા શહીદ જવાનોની સંખ્યા વધવાની દહેશત છે. ઉરીમાં ૨૦૧૬માં થયેલા આતંકવાદી હુમલા બાદ આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. જોકે, આ હુમલાને છેલ્લા ૨૦ વર્ષમાં આતંકવાદીઓ દ્વારા સૌથી ભયાનક હુમલો માનવામાં આવે છે. જમ્મુ-શ્રીનગર હાઇવે પર આવેલા અવંતિપુરામાં આતંકવાદીઓએ સીઆરપીએફના એક કાફલાને નિશાન બનાવ્યો હતો. હુમલા બાદ દક્ષિણ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. આતંકવાદી સંગઠન જૈશે મોહંમદ દ્વારા હુમલાની જવાબદારી લેવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, આદિલ અહમદ ડાર નામના આતંકવાદીએ આ હુમલાનું કાવતરૂં રચ્યું હતું. આદિલ પુલવામાના કાકાપુરા વિસ્તારનો રહેવાસી છે. સીઆરપીએફની ૫૪મી બટાલિયનના જવાનોને આ હુમલામાં નિશાન બનાવાયા છે. ગુરૂવારે સાંજે સીઆરપીએફના જવાનો પર અવંતિપુરાના ગરિપોરા નજીક હુમલો કરાયો હતો.
સત્તાવાર અહેવાલો અનુસાર વિસ્ફોટકોથી ભરેલી એક ગાડી લઇને આવેલા જૈશે મોહંમદના આતંકવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસને જોરદાર ટક્કર મારી હતી. કાફલાની જે બસને નિશાન બનાવાઇ તેમાં ૩૯ સીઆરપીએફ જવાનો સવાર હતા. હુમલા બાદ તરત જ ઘાયલ જવાનોને શ્રીનગરની હોસ્પિટલમાં શિફ્ટ કરવાનુંં કામ શરૂ કરી દેવાયું હતું. અનેક જવાનોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આમાંથી ઘણા જવાનોની સ્થિતિ નાજુક જણાવાઇ છે. જે કાફલા પર આ હુમલો થયો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો અને તેમાં ૨,૦૦૦થી વધુ જવાનો સામેલ હતા. સત્તાવાર સમાચાર એજન્સી અનુસાર સીઆરપીએફના જે કાફલા પર હુમલો કરાયો તેમાં ૭૦ ગાડીઓ સામેલ હતી. આમાંથી એક ગાડી આતંકવાદીઓના નિશાના પર હતી. હુમલા અંગે સીઆરપીએફના આઇજી ઝુલ્ફીકાર હસને કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર પોલીસ તપાસ કરી રહી છે, ઘાયલ થયેલા જવાનોને હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા છે અને વિસ્ફોટ સ્થળે તપાસ ચાલુ છે. આતંકવાદી હુમલાની જાણ થયા બાદ તરત જ પુલવામામાં રહેલી સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની અન્ય કંપનીઓને અવંતિપુરા મોકલવામાં આવી રહી છે. આતંકવાદી હુમલા બાદ સેનાએ તાત્કાલિક અસરથી જમ્મુ-શ્રીનગર હાઇવે પર ટ્રાફિક બંધ કરતા અવંતિપુરા અને આસપાસના વિસ્તારોમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઉપરાંત પુલવામા, શોપિયાં, કુલગામ અને શ્રીનગર જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હુમલામાં ઘાયલ થયેલા જવાનોની સારવાર સતત ચાલુ છે અને એજન્સીઓના અધિકારીઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. દરમિયાન ગૃહમંત્રી રાજનાથ સિંહે સીઆરપીએફના ડીજી આરઆર ભટનાગર સાથે વાત કરીને હુમલા દરમિયાન થયેલા નુકસાનની જાણકારી મેળવી હતી. વડાપ્રધાન મોદીએ પણ ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે પુલવામા હુમલા વિશે વાત કરી છે અને શુક્રવારે રાજનાથ શ્રીનગરની મુલાકાત લેશે.

રોડ પર ક્ષત-વિક્ષત લાશો વિખેરાઇ, બસના ફૂરચે-ફૂરચા ઊડ્યા

સીઆરપીએફની ૫૪મી બટાલિયનના કાફલા પર આતંકવાદીઓ દ્વારા ભયાનક હુમલો કરાયો છે જેની જવાબદારી જૈશે મોહંમદ નામના સંગઠને લીધી છે. વિસ્ફોટકોથી ભરેલી કારે અવંતિપુરા નજીક સીઆરપીએફની બસ સાથે ધડાકા સાથે અથડાવી દીધી હતી. ભયાનક વિસ્ફોટ બાદ માર્ગ પર ચારેતરફ લાશો વિખેરાયેલી પડી હતી અને બસના ફૂરચે-ફૂરચા ઉડી ગયા હતા. હુમલામાં ઘાયલ થયેલા અન્ય જવાનોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવા માટે સ્ટ્રેચરનો ઉપયોગ કરાયો હતો.