(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વાકયુદ્ધમાં ઝંપલાવતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી અને નાણાપ્રધાન પી.ચિદમ્બરમ્‌ે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમ્‌ે કહ્યું કે મોદીનું અભિયાન તેમના પોતાના માટે અને તેમના ભૂતકાળ અંગે છે. આ અભિયાન ગુજરાત અને ગુજરાતી લોકોનો કથિત રૂપે અનાદર છે. શું તે ભૂલી ગયા છે કે તેઓ ભારતના વડાપ્રધાન છે ? તેમણે ટ્‌વીટ કરી હતી કે વડાપ્રધાન બેરોજગારી, રોકાણની કમી, સ્થિર નિકાસ અને કિંમતોની વૃદ્ધિ વિશે કેમ વાત નથી કરતાં ? કારણ કે તેમની પાસે ખરેખર કોઈ જવાબ નથી. તેમણે કહ્યું કે, ગુજરાતની ચૂંટણી અચ્છે દિનના વચન આપ્યા હતા તે અંગે છે જે ૪ર મહિનાઓમાં નથી આવ્યા. ચિદમ્બરમ્‌ે લખ્યું કે, મોદીજી ભૂલી ગયા છે કે ગાંધીજી એક ભારતીય અને ગુજરાતના પુત્ર છે અને રાષ્ટ્રપિતા તરફી સન્માનિત છે. તેમણે સ્વતંત્રતા સંગ્રામ માટે કોંગ્રેસ પાર્ટીની પસંદગી કરી હતી. વડાપ્રધાન મોદી અને ભાજપ સરદાર પટેલને આલિંગન કરી શકે છે પરંતુ સરકારે આરએસએસ અને તેની વિભાજનકારી વિચારધારાને ફગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આશાપુર મંદિરથી પ્રચાર કાર્યની શરૂઆત કરી હતી.