(એજન્સી) રાયપુર, તા.૧
ભાજપા શાસિત છત્તીસગઢમાં આ જ વર્ષે ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી નજીક આવતા જ સરકારી યોજનાઓની હકીકત પણ જનતા સુધી પહોંચવા લાગી છે. છત્તીસગઢના સીએમ રમનસિંહે મુખ્યમંત્રી શ્રમ શક્તિ યોજના બનાવી હતી. આ યોજનામાં જરૂરો અને જરૂરિયાતમંદોને આપવા માટે લાખો સાઈકલો ખરીદવામાં આવી. પરંતુ વહીવટી ઈચ્છશક્તિના અભાવે હજારો સાકઈલ ખુલ્લા આકાશ નીચે ભંગાર થઈ ગઈ. સમાચાર એજન્સીએ જશપુર જિલ્લાના આવા જ કેસ અંગે સમાચાર આપ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આદિવાસી બાહુલ્ય ધરાવતા જશપુર જિલ્લામાં વિતરણ માટે એક નામી કંપની પાસેથી ૭૮૦૦ સાઈકલો ખરીદવામાં આવી હતી પરંતુ તેમાંથી માત્ર ૩૬૦૦ સાઈકલો જ વહેંચવામાં આવી છે જ્યારે ૪ર૦૦ સાઈકલો આજે પણ ધૂળ ખાઈ રહી છે. આ સાઈકલો જશપુરના લાઈવલીહૂડ કોલેજ પરિસરના ખુલ્લા મેદાનમાં પડી છે. સાઈકલોના વિતરણની જવાબદારી રાજ્યના શ્રમ વિભાગની હતી, પરંતુ શ્રમ વિભાગના અધિકારીઓએ અધિકારીઓની યોજનાઓમાં રસ લીધો નહીં. એક વર્ષ પહેલાં તેમણે ૩૬૦૦ સાકઈલોનું વિતરણ કર્યું હતું. પરંતુ ત્યારબાદ અધિકારી આ સાઈકલોને ભૂલી ગયા. પરિણામ સ્વરૂપે હજારો સાઈકલો ભંગાર બની ગઈ છે. સેંકડો સાઈકલો ધૂળ ખાઈ રહી છે. શ્રમ વિભાગના અધિકારીઓને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેઓ પોતાની બેદરકારીને છૂપાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા.