(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
શહેર નજીક આવેલા કરચીયા ગામમાં આવેલા દુષિત પાણી પીવાથી ૪૫ જેટલા ગામજનોને અસર થતા ગામમાં હાહાકાર મચી ગયો હતો. એકાએક ૪૫ જેટલા લોકોને દુષિત પાણીની અસર થતા ગામજનોએ તલાટીને સંપ પાસે બોલાવી આજે ઉઘડો લીધો હતો. દૂષિત પાણી માટે રજુઆત કરી રહેલા ગામજનોને તલાટીને જવાબ આપવાનાં ફાફા થઇ ગયા હતા. પ્રાપ્ત થતી વિગત અનુસાર,કરચીયા ગામમાં છેલ્લાં કેટલા સમયથી દૂષિત પાણી આવતું હતું. ગામજનો દ્વારા ગામનાં સરપંચ, ડે.સરપંચને રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તેમને કોઇ પગલા ભર્યા ન હતા.તેથી ત્રાસી ગયેલા ગામજનોએ છેવટે તલાટીને દૂષિત પાણીનો હલ કરવા માટે રજુઆત કરી હતી. તેમ છતાં પ્રશ્ન હલ થયો ન હતો. તંત્રની નિષ્કાળજીથી ગામનાં ૪૫ જેટલા લોકો દૂષિત પાણી પીવાને કારણે ઝાડા-ઉલ્ટી, તાવ, મેલેરીયા, કમળો જેવા રોગચાળાનો ભોગ બનતા ગામનાં અગ્રણીઓએ આજે તલાટીને સ્થળ પર બોલાવ્યા હતા. ગામજનો જે દૂષિત પાણી પી રહ્યાં છે તે બતાવ્યું હતું. રોષે ભરાયેલા ગામજનોએ તલાટીને દૂષિત પાણી પીવડાવવા પ્રયાસ કર્યો હતો. દૂષિત પાણી પીવાને કારણે રોગચાળાનો ભોગ બનેલા પૈકી કેટલાકને સરકારી હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવા આવી રહી છે. દૂષિત પાણીને કારણે ગામમાં ફાટી નિકળેલા રોગચાળાને કારણે ગામજનોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. ગામજનોની રજુઆતને પગલે તલાટીએ યુદ્ધનાં ધોરણે દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો. દૂષિત પાણીનો હલ ના થાય ત્યા સુધી ગામનાં દરેક ફળિયામાં પીવાના પાણીની ટેન્કર મોકલવા તલાટીને રજુઆત કરી હતી.