અમદાવાદ,તા. ૧૩
રૂ.૪૫૦૦ કરોડના ચકચારભર્યા હેરોઇન કન્સાઇનમેન્ટ પ્રકરણમાં નારકોટીક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ મુંબઇથી વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓના એનસીબીએ કોર્ટમાંથી આવતીકાલ સુધીના રિમાન્ડ મેળવાયા છે. આ સાથે જ હેરોઇન કેસમાં અત્યારસુધીમાં કુલ ૧૩ આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે.
થોડા દિવસ પહેલાં જ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરના દરિયાકિનારે સમુદ્રમાંથી રૂ.૪૫૦૦ કરોડના ૧૫૦૦ કિલોગ્રામથી વધુના હેરોઇનના કન્સાઇનમેન્ટને લઇને આવતાં જહાજને પકડી લેવામાં આવ્યું હતું અને તેમાં ડ્રગ્સના આ મોટા કન્સાઇનમેન્ટ સાથે આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઇરાન તરફથી આવેલું વિદેશી જહાજ હેનરી(પ્રિંસ-૨) થોડા દિવસ પહેલાં પોરબંદર દરિયાઇ પટ્ટામાં પહોંચ્યું હતું. જે અંગે ઇન્ટેલીજન્સ એજન્સીઓને બાતમી મળતાં તેમણે ઇન્ડિયન કોસ્ટગાર્ડને માહિતી આપી હતી. જેને પગલે ભારતીય કોસ્ટગાર્ડે સ્થાનિક પોલીસને સાથે રાખી સમગ્ર ઓપરેશન પાર પાડયું હતું અને રૂ.૪૫૦૦ કરોડનું હેરોઇનનું દેશનું સૌથી પહેલું આટલુ મોટુ કન્સાઇનમેન્ટ પકડી પાડયુ હતું.
હેરોઇનના કન્સાઇનમેન્ટ પકડાવાના પ્રકરણમાં બીજા દિવસે વધુ આરોપીઓ મુંબઇથી પકડાયા હતા. દરમ્યાન આ કેસની તપાસ એનસીબીએ સંભાળી લીધી હતી અને તેની સાથે ગુજરાત એટીએસએ પણ તેની રીતે તપાસનો દોર ચલાવ્યો હતો. જેમાં મુંબઇથી વધુ બે આરોપીઓ સઉદ અસલમ અને સુલેમાન સાદિક ઝડપાયા હતા. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તપાસનીશ એજન્સીએ તેમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.